CM દ્વારા મૂડીરોકાણને આકર્ષવા “ગુજરાત સેમિકંડક્ટર નીતિ” જાહેર  

અમદાવાદઃ રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટેકનોલોજિકલ ક્રાન્તિ તરફ ગુજરાતે વધુ એક કદમ ભર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં આત્મનિર્ભરતાની દિશામાં નક્કર આયોજનો થઈ રહ્યાં છે ત્યારે સેમિકંડક્ટર ચિપ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના હેતુ સાથે ભારત સરકાર દ્વારા ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM)ની સ્થાપના કરવામાં આવી છે અને દેશમાં સેમિકંડક્ટર ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટેની નીતિ જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ.૭૬૦૦ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ભારત સરકારની આ પહેલને સમાંતર ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણને આકર્ષવા મુખ્ય મંત્રી દ્વારા સેમિકંડક્ટર નીતિ જાહેર કરવામાં આવી છે. આ પોલિસીની જાહેરાત સાથે ગુજરાત સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે નીતિ જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે, એમ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના મંત્રી જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી-૨૦૨૨થી ૨૦૨૭ જાહેર કરવામાં આવી છે. આ પોલિસી થકી આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે, એમ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨-૨૦૨૭”ની મહત્વપૂર્ણ જાહેરાત

  • કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી મૂડી સહાયના ૪૦ ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
  • આ પોલિસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં ધોલેરા સેમિકોન સિટી સ્થાપવામાં આવશે.
  • ISM હેઠળ મંજૂર થયેલા અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન ઉપર ૫૦ ટકા સબસિડી આપવામાં આવશે.
  • પ્રોજેક્ટ્સને પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે રૂ.૧૨ પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • દેશમાં સેમિકંડક્ટર ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટેની જાહેર કરાયેલી નીતિ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૭૬૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • રાજ્ય સરકારના દ્વારા તમામ મંજૂરીઓ ઝડપી રીતે મળી રહે એ માટે સિંગલ વિન્ડો મિકેનિઝમ સ્થાપવામાં આવશે.
  • આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીના સર્જનની નેમ છે.