ખેડાઃ રાજ્યના ખેડામાં નવરાત્રિ ઉત્સવમાં રાસ-ગરબા વખતે પથ્થરમારાને કારણે ટેન્શનનો માહોલ ઊભો થયો હતો, આ પથ્થરમારામાં છ લોકો ઘાયલ થયા હતા. પોલીસે કહ્યું હતું કે એક જૂથના લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસ આરોપીઓની ઓળખ કરી રહી છે.
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામમાં નવરાત્રીમાં પથ્થરમારાની ઘટના બની હતી નવરાત્રીમાં ભાગોળમાં ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ખેડાના DSPએ જણાવ્યું હતું કે જે ગ્રુપે પથ્થરમારો કર્યો હતો એ ગ્રુપને આરિફ અને ઝહીર નામની બે વ્યક્તિઓ ચલાવતી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગામના સરપંચે નવરાત્રિનું આયોજન કર્યું હતું. આ આયોજન ગામની વચ્ચે એક મંદિરની પાસે કરવામાં આવ્યું હતું. એની પાસે એક મસ્જિદ પણ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ સામેલ હતી, ત્યારે અન્ય જૂથના કેટલાક લોકો ત્યાં આવ્યા હતા અને લોકોએ કાર્યક્રમ અટકાવવા માટે કહ્યું હતું, ત્યાર બાદ તેમણે પથ્થરમારો શરૂ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં માતર પોલીસ, LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ પથ્થરમારામાં છથી સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ ઉંઢેરા ગામમાં માહોલ ખરાબ ના થાય એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પથ્થરમારામાં બે જવાનો પણ ઇજાગ્રસ્ત થયા હતા.
આ પહેલાં વડોદરામાં પણ ગરબામાં બે જૂથો બાખડ્યાં હતાં, જે પછી ટેન્શન ઊભું થયું હતું. બે જૂથોના લોકોએ એકમેક પર પથ્થરમારો કર્યો હતો. એ પછી પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી. અહીં પણ પોલીસ બંદોબસ્ત ઊભો કરવામાં આવ્યો હતો.
