અમદાવાદઃ ગુજરાતભરના બિનરાસાયણિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશોનાં પ્રદર્શન અને વેચાણનું આયોજન શહેરમાં સૃષ્ટિ સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સૃષ્ટિ સંસ્થા ખેડૂતોનાં ખેતરનું ઓર્ગેનિક માપદંડો અનુસાર છેલ્લા 18 વર્ષથી મુલ્યાંકન કરે છે. દર વર્ષે જૂન- જુલાઇ મહિનામાં ખેડૂતો પાસે ખેડૂતહાટ માટેના ફોર્મ ભરાવી પાકની વિગતો મેળવવામાં આવે છે. એ પછી સૃષ્ટિ સંસ્થા અને સંલગ્ન સહયોગીઓની મદદથી ખેતરમાં પાક ઉભો હોય ત્યારે ખેતરમાં નિરીક્ષણ કરવામાં આવે છે. જેમાં ખેતરમાં અળસિયાં, પતંગિયા, કિટકો, નિંદામણ, શેઢાપાળા, પિયતની સગવડો, સેન્દ્રિય ખાતરો, પાક સંરક્ષણના ઉપાયો વગેરેનું નિરીક્ષણ મુલ્યાંકન થાય છે. આ ઉપરાંત પડોશી ખેડૂતો, ખેતમજૂરો, ગ્રામજનો – આ બધા સાથે સંવાદ કરવામાં આવે છે. આ મુલ્યાંકન પ્રક્રિયામાં સતત ત્રણ વર્ષ ઓર્ગેનિક ખેતીના માપદંડો અનુસાર જે ખેડૂત પાસ થાય એવા ખેડૂતોને પોતાની ખેતપેદાશો સૃષ્ટિ હાટમાં વેચવાની તક મળે છે. આ વર્ષે 60 જેટલા ખેડૂતો એમની ખેતપેદાશો વેચવા અમદાવાદ સૃષ્ટિના આંગણે આવ્યા છે. જેમાં ગ્રાહકોને 200થી વધુ પ્રાકૃતિક ખેતપેદાશો ખરીદવાની તક છે.
સૃષ્ટિ સંસ્થા દ્વારા દર વર્ષે વિસરાતી જતી વાનગીઓના સાત્વિક મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોનાની મહામારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગરમ વાનગીઓના સ્ટોલનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. જોકે શહેરની ગૃહિણીઓ પાસેનાં વાનગી વૈવિધ્ય કૌશલ્યને પ્રોત્સાહન આપવા વિસરાતી વાનગીઓની હરીફાઇનું આયોજન જરૂર કરવામાં આવ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ)