અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં આભ ફાટ્યું છે. સુત્રાપાડામાં 22 ઈંચ, વેરાવળમાં 20 ઈંચ વરસાદ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. માંગરોળમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. હીરણ ડેમ-2ના તમામ દરવાજા સંપૂર્ણ ખોલાતાં ચારેકોર પાણી ફરી વળ્યાં છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હતી અને ગાડીઓ છાતી સમાણાં પાણીના ભારે પ્રવાહમાં તણાઈ હતી. રાજ્યમાં ભારે વરસાદથી સામાન્ય લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 176 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. 13 તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ, 50થી વધુ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 43 જળાશયો એલર્ટ પર છે. રાજ્યમાં સીઝનનો કુલ 53 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સરકારે ભારે વરસાદને પગલે NDRFની છ ટીમો તહેનાત કરી છે અને જ્યાં ભારે વરસાદ છે, ત્યાં મોકલી આપી છે. STની પણ 250 બસોની સેવાઓ રદ કરવામાં આવી છે. ભાવનગરમાં પણ શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો છે.
રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. તાલાલાના હીરણ ડેમ-2ના તમામ દરવાજા મધ્ય રાત્રિએ સંપૂર્ણ ખોલવામાં આવ્યા હતા. જેથી પૂરનાં પાણી શહેરના રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યાં હતાં. રસ્તાઓ પર અનેક વાહનો તણાયા હતા. મોડી રાત્રિએ સમયે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. પાણીના ભારે પ્રવાહમાં ગાડીઓ તણાતી જોવા મળી હતી. ત્યારે એક છકડો પાણીમાં તણાયા બાદ ડૂબી ગયો હતો.
તાલાલામાં અનેક ઘરોમાં ઘરવખરી સહિતનો માલસામાન પાણીમાં તરવા લાગ્યો હતો. તાલાલામા જળતાંડવ જોયું. પોલીસ અને વહીવટી તંત્ર સહીત સેવાભાવી લોકોએ લોકોને સાવચેત કરી અને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. જ્યાં બીજી બાજુ નદીનાં પાણી સાથે મગર પણ શહેરમાં આવી પહોંચ્યા હતા.
રાજ્યના 44 જળાશયો હાઈએલર્ટ પર
રાજ્યના 206 જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જેમાં સિંચાઈ વિભાગ દ્વારા 43 જળાશયોને હાઈએલર્ટ પર, 18 જળાશયો એલર્ટ પર અને 19 જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે.
રાજ્યમાં સીઝનનો કુલ 53 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 112.24 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સીઝનનો 51 ટકા વરસાદ ખાબક્યો છે. મધ્ય ગુજરાતમાં સીઝનનો 41 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 70.10 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 43.51 ટકા વરસાદ નોંધાયો છે.