શ્રાવણની અમાસે બરફનાં બાર જ્યોતિર્લિંગનાં દર્શન

અમદાવાદઃ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ…શ્રાવણ વદ અમાસને શિવભક્તો અનોખી રીતે ઊજવી રહ્યા છે. મહાદેવનાં મંદિરોમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો છે. શિવ મંદિરોમાં શિવજીની ભવ્ય આરતી, શિવલિંગને શણગાર અને કેટલાંક શિવાલયમાં બરફનાં ભવ્ય શિવલિંગ તૈયાર કરવામાં આવે છે.

અમદાવાદના સીટીએમ વિસ્તારમાં આવેલા ભારવી ટાવર પાસેની યશ વિજય સોસાયટીમાં આ વર્ષે બરફનાં શિવલિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

યશ વિજય સોસાયટીના ભાવિક પટેલ ચિત્રલેખા.કોમને કહે છે બરફની 171 પાટ મગાવી ‘ દ્વાદશ જ્યોતિર્લિંગ ‘ એટલે કે બારેબાર જ્યોતિર્લિંગ કલરવાળા બરફથી તૈયાર કરવામાં આવ્યાં છે. અમારી સોસાયટીના ઉમિયા માતાના મંદિરમાં અમે દર વર્ષે આ પ્રકારે બરફનાં શિવલિંગ બનાવીએ છીએ. આ વર્ષે વધુ ભવ્યતાથી આયોજન કર્યું છે.

રંગબેરંગી બરફથી તૈયાર થયેલા શિવજીનાં બાર જ્યોતિર્લિંગને નિહાળવા અને દર્શન કરવા સીટીએમ વિસ્તારની યશ વિજય સોસાયટીમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.

શિવજીના બરફના બાર જ્યોતિર્લિંગને જોવા વિડિયો લિન્ક પર ક્લિક કરો…

 
(પ્રજ્ઞેશ વ્યાસ)