જનતાને રૂ. 10 લાખ સુધીની સારવાર મફતઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનાં પડઘમ વાગવા માંડ્યાં છે, ત્યારે રાજકીય પક્ષોએ મતદારોને આકર્ષવાના પ્રયાસ તેજ કરી દીધા છે. કોંગ્રેસે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આરોગ્ય ક્ષેત્રે મહત્વની જાહેરાત કરી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કુલ 14 મુદ્દાઓ આધારિત જન આરોગ્ય સંકલ્પ પત્ર રજૂ કર્યો છે. આ સંકલ્પ પત્રમાં કોંગ્રેસે રાજ્યની જનતા માટે રૂપિયા 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર રચાશે તો તમામ નાગરિકોને વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત આરોગ્યની સારવાર ઉપલબ્ધ  કરાવવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડો. સી. જે. ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે  2022ની વિધાનસભાની ચૂંટણી પછી બનનારી કોંગ્રેસ સરકાર ગુજરાતના નાગરિકો માટે તમામ સરકારી દવાખાનાઓને ફાઇવ સ્ટાર કક્ષાનાં બનાવીને તમામ નાગરિકોને તમામ રોગોની સારવાર ફ્રી, માન્ય ખાનગી દવાખાનાઓમાં રૂ.10 લાખ સુધીની સારવાર ફ્રી, કિડની, લીવર અને હ્રદય ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંર્પૂણ ફ્રી આપશે. તેમણે  દરેક ગામો અને નગરપાલિકા વોર્ડોમાં આધુનિક સુવિધા સાથેના ‘જનતા દવાખાના’, આંતરીયાળ ગામોમાં ફરતાં દવાખાનાં, સરકારી દવાખાનાઓમાં ડોકટરો અને સ્ટાફની નિમણૂક, આયુષ પદ્ધતિથી સારવારને પ્રોત્સાહન અને વ્યવસ્થા, આરોગ્ય માનવ સૂચકાંક સુધારવા સઘન પ્રયાસોના અમલ કરવાની ખાતરી ચૂંટણી ઢંઢેરામાં આપી હતી.

બીજી બાજુ, રાજકોટમાં કોંગ્રેસનાં સંકલ્પપત્રની જાહેરાત કરતાં અર્જુન મોઢવાડિયા અને ડો. હેમાંગ વસાવડાએ જાહેરાત કરી હતી કે સરકાર હસ્તકનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ અને સિવિલ હોસ્પિટલોને કોર્પેારેટ હોસ્પિટલ જેવી ફાઈવ સ્ટાર બનાવાશે.

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]