અમદાવાદઃ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમીને વિશ્વમાં રહેતા કૃષ્ણ ભક્તો, વૈષ્ણવોએ ધામ ધૂમથી ઊજવ્યો. જન્માષ્ટમીના દિવસે રાત્રીના બાર વાગ્યાની આતુરતાથી રાહ જોઈ રહેવા કાનુડાના ભક્તો ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા, ડાકોર અને ઇસ્કોન સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં ભજન-કીર્તન કરતા રહ્યા હતા.
ભગવાન શ્રીકૃષ્ણ હિન્દૂ ધર્મના મુખ્ય દેવતાઓમાંથી એક છે. તેમને વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. કનૈયાને શ્યામ, ગોપાલ, કેશવ, દ્વારકાધીશ અને વાસુદેવ જેવા હજારો નામથી બોલાવવામાં આવે છે. શહેરના જગન્નાથ મંદિરને કૃષ્ણ જન્માષ્ટમીએ શણગારવામાં આવ્યું હતું. રાત્રે કૃષ્ણ જન્મોત્સવ પૂર્વે ભક્તોએ ભજન અને કીર્તન કર્યા હતા. બારના ટકોરે કૃષ્ણ જન્મની વેળા આવતાંની સાથે જ આખુંય જગન્નાથ મંદિર ‘ કૃષ્ણ કનૈયા લાલ કી જય’, ‘નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલ કી’, જય રણછોડના નારા સાથે ગુંજી ઊઠ્યું હતું.
કૃષ્ણ ભગવાનના જન્મોત્સવના પર્વની ઉજવણીમાં દિલીપદાસજી મહારાજે આરતી ઉતારી હતી. આ સાથે મંદિરમાં ફૂલો દ્વારા ભગવાન અને ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરના પ્રાંગણમાં પંજરી, માખણ, શાકર,ચોકલેટ જેવા પ્રસાદ નું ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીમાં પારણે ઝૂલતા બાલકૃષ્ણને જોવા અને દર્શન કરવા હજારોની ભીડ મંદિર પરિસરોમાં ઊમટી પડી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)