GTUના ઈતિહાસમાં પ્રથમવાર સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરાઈ

અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પકાર સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસ સ્થિત શેડ-4માં સ્થાપિત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના મહાન હસ્તીઓના જીવનમાંથી પ્રેરણા મળતી રહે તે હેતુસર આ યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલીવાર પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા જણાવ્યું હતું કે આપણો દેશ આઝાદી પછી નાના-નાના રજવાડાઓમાં વિભાજિત હતો તે વખતે સરદાર પટેલે તેઓને સમજાવીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના આ પ્રદાનને ધ્યાનમાં રાખીને સરદાર સરોવર ડેમ નજીક વિશ્વની સૌથી મોટી પ્રતિમા ગુજરાતમાં સ્થાપિત કરાઈ છે, જેને નિહાળવા દુનિયાભરમાંથી લોકો કેવડિયા કોલોની આવે છે. જીટીયુના વિદ્યાર્થીઓમાં પણ આપણા ભવ્ય ઐતિહાસિક વારસાના જતન માટે પ્રેરણાના બીજ રોપાય તે હેતુસર સરદાર પટેલની પ્રતિમા જીટીયુમાં સ્થાપિત કરાઈ છે. ભવિષ્યમાં દેશની એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા પરસ્પર સદભાવ અને કોમી એખલાસને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

પ્રતિમાને સરદાર પટેલની પૂણ્યતિથિએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તે વેળાએ જીટીયુના વાઈસ ચાન્સેલર ડૉ. શેઠ ઉપરાંત વિશ્વકર્મા સરકારી ઈજનેરી કૉલેજના પ્રિન્સીપાલ ડૉ. રાજુલ ગજ્જર તેમજ જીટીયુના ઈન્ચાર્જ રજીસ્ટ્રાર પ્રો.(ડૉ) એસ.ડી.પંચાલ અને યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. ગત સોમવારે જીટીયુના પરિસરમાં એક બેઠક યોજાઇ હતી જેમાં ભાવિ કાર્યક્રમોની રૂપરેખા વિશે ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.