મહેસાણાઃ સાગરદાણ કૌભાંડમાં મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના આરોપી વિપુરલ ચૌધરી સહિત 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ તમામ આરોપીને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે, જ્યારે ચાર આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હતા. વિપુલ ચૌધરી રાજપા સરકારમાં ગૃહપ્રધાન રહી ચૂક્યા છે. દૂધસાગર ડેરીને રૂ. 22 કરોડનું નુકસાન થયું હતું. આ કૌભાંડના 22 આરોપીઓમાંથી ત્રણ આરોપીઓનાં ચુકાદો આવે એ પહેલાં જ મોત થયાં હતાં. જેથી હવે 19 સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં 23 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.
સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી ચાર અધિકારીઓને શંકાનો લાભ મળતાં તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે. આ સિવાય 13 નિયામક મંડળના સભ્યો અને બે અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાં વિપુલ ચૌઘરીનો પણ સમાવેશ થાય છે. વિપુલ ચૌધરી સહિત જે 15 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમના તથા સામેના એમ બન્ને પક્ષની કોર્ટ દલીલ સાંભળ્યા બાદ સજા સંભળાવી હતી.
આ કેસમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 406 (ગુનાહિત વિશ્વાસઘાત), 420 (ઠગાઈ), 465 (ખોટો દસ્તાવેજ બનાવવા), 468 (ઠગાઈ કરવાના હેતુથી ખોટો દસ્તાવેજ બનાવવા), 471 (બનાવટી દસ્તાવેજ હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરવો), 120B (કાવતરું) અને 114 (મદદ) અંતર્ગત આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હવે આરોપીઓને જે કલમ અંતર્ગત દોષિત ઠેરવવામાં આવ્યા તેના આધારે તેમને સજા સંભળાવવામાં આવી છે.
શું છે કેસ?
દૂધસાગર ડેરીમાંથી મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. કોઈ પણ મંજૂરી વિના આ સાગરદાણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રની મહાનંદા ડેરીને સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. જેને કારણે દૂધસાગર ડેરીને રૂપિયા 22 કરોડનું નુકસાન થયું હતું. અહેવાલ અનુસાર વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેથી તત્કાલીન કૃષિમંત્રી શરદ પવારને રીઝવવા સાગરદાણ મોકલાયાનો તેમના પર આરોપ હતો. GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મહારાષ્ટ્ર મોકલાયું હતું. સાગરદાણ મોકલવા મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું.