ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મેગ્નેટિક ફ્લુઇડ્સ યોજાઈ

ચાંગા: સ્પેનના ગ્રેનાડામાં આવેલી યુનિવર્સિટી ઓફ ગ્રેનાડામાં તાજેતરમાં 16મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મેગ્નેટિક ફ્લુઇડ્સ (ICMF 16) યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં 28 દેશોમાંથી લગભગ 175 વિદેશી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પાંચ દિવસમાં કુલ 11 મુખ્ય પ્રવચનો, ચાર પ્લેનરી ટોક્સ, 66 ઓરલ પ્રેઝન્ટેશન અને 102 પોસ્ટરો રજૂ કરવામાં આવ્યાં હતાં અને ત્રણ પીએચડી થિસીસ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

ભારતમાંથી સાત સહભાગીઓએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, જેમાંથી ત્રણ સહભાગી ચારુસેટના હતા. ચારુસેટના  પ્રોવોસ્ટ પ્રો. ડો. આર.  વી.  ઉપાધ્યાય,  KRADLEના હેડ ડો. કિન્નરી પારેખ અને PDF ડો. મુદ્રા જાદવે ચારુસેટ તરફથી કોન્ફરન્સમાં હાજરી આપી હતી. તેમણે ત્રણ-મૌખિક વાર્તાલાપ અને ચાર પોસ્ટર્સ રજૂ કર્યાં હતાં. પ્રોવોસ્ટ પ્રો. આર.  વી.  ઉપાધ્યાય અને  KRADLEના હેડ ડો. કિન્નરી પારેખે કોન્ફરન્સમાં બે સેશનની અધ્યક્ષતા કરી હતી.

દેશમાંથી મેગ્નેટિક ફ્લ્યુઇડના ફિલ્ડમાં યોગદાનને ધ્યાનમાં રાખતા ઇન્ટરનેશનલ સ્ટિયરિંગ કમિટી (ISC)એ મેગ્નેટિક ફ્લ્યુઇડ રિસર્ચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ચારુસેટના  પ્રોવોસ્ટ પ્રો. આર વી. ઉપાધ્યાયની ઇન્ટરનેશનલ સ્ટિયરિંગ કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરી છે. ઇન્ટરનેશનલ સ્ટિયરિંગ કમિટીના સભ્યો વૈશ્વિક સ્તરે મેગ્નેટિક ફ્લ્યુઇડ રિસર્ચના વિકાસ માટે આગળ વધી રહ્યા છે અને યુવાન અને ઉત્સાહી સંશોધકોને સલાહ આપે છે.

ભાવનગર યુનિવર્સિટીના ડો. આર. વી. મહેતા ભારતમાં ફેરોફ્લુઇડ રિસર્ચના પિતામહ તરીકે ગણાતા હતા, જે અત્યારે ISCના સલાહકાર સમિતિના સભ્ય છે અને તેઓ ભારતમાંથી જ પ્રતિનિધિત્વ કરશે. યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ અને ચારુસેટ પરિવારે ભવિષ્યમાં ઉત્તરોતર પ્રગતિ માટે ડો. આર.વી. ઉપાધ્યાયને શુભેચ્છાઓ પાઠવી છે.