અમદાવાદઃ રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે નર્મદા અને ધરોઈ ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ રહી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાંથી 76,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ કારણે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ એમ બંનેએ મુલાકાતીઓના પ્રવેશ પર તાત્પૂરતો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
બુધવાર સવારથી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ બાજુના વોક-વેને મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આઇ. કે. પટેલે આ વિશે માહિતી આપી હતી.
સાબરમતી નદી પરના ધરોઇ ડેમ માંથી ૭૬,૦૦૦ ક્યુસેક પાણી છોડવામા આવવાર હોઇ, સાવચેતિના ભાગરુપે સાબરમતી રીવરફ્રન્ટનો નીચેનો વોકવે જનતા માટે આજે તારીખ ૨૪/૦૮/૨૦૨૨ના રોજ સવારે ૯:૩૦ કલાક થી બંધ કરવામાં આવશે, જેની સૌએ નોધ લેવી.
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) August 24, 2022
અમદાવાદના વાસણા બેરેજના નવ દરવાજાને ત્રણ ફૂટ જેટલા અને 10 દરવાજાઓને ખોલી દેવામાં આવ્યા છે. આમ બેરેજના કુલ 19 દરવાજાઓ હાલ ખુલ્લા છે. જેથી સાબમતી નદીમાં પાણીના જથ્થામાં નોંધપાત્ર વધારો થયો છે.
વળી સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થતાં રિવરફ્રન્ટ પર લોકોને ના જવા માટે તાકીદ કરવામાં આવી છે. આ સાથે જ નદીને અડીને આવેલા નીચાણવાળા ગામડાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.