કવયિત્રી હર્ષા દવેનાં કવિકર્મ અને ગઝલસંગ્રહને કવિઓ, ભાવકોએ પોંખ્યો

ભાવનગરઃ ભાવનગરનાં કવયિત્રી હર્ષા દવે પોતાના કવિકર્મ અને શબ્દસાધનાના જોરે ગુજરાતી સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન મેળવી ચૂક્યાં છે. શું ન લખવું અને ક્યાં, કેટલું લખવું તેની સુઝ એમણે બખૂબી કેળવી છે.  તેમની ગઝલોમાં તાજગી તો છે જ અને તત્વચિંતનનું ઊંડાણ પણ એટલું જ છે. હર્ષા દવે પાસે ગુજરાતી કવિતાને મોટી આશા છે. આવા ભાવ સાથે જાણીતા કવિ વિનોદ જોશી, પથિક પરમાર, મહેન્દ્રસિંહ પરમાર, વિવેક ટેલર, સુધીર પટેલ, હિમલ પંડ્યાએ કવયિત્રીના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહ ‘હરિ! સાંજ ઢળશે’ ને પોંખ્યો હતો.

કવિતાકક્ષ દ્વારા પ્રકાશનનાં ત્રીજાં સોપાનરૂપે અને ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી કવયિત્રી હર્ષા દવેના ગઝલસંગ્રહ “હરિ! સાંજ ઢળશે”ના વિમોચન પ્રસંગે ગિરિરાજ ભોજક, સલીમ દેખૈયા, ડૉ. ફિરદૌસ દેખૈયા અને કમલેશ મહેતાએ સ્વરાંકિત કરેલ આ સંગ્રહ પૈકીની પાંચ રચનાઓને રૂચા ઠક્કર, શાહિદ દેખૈયા તથા ગિરિરાજ ભોજક, ડૉ. ફિરદૌસ દેખૈયા અને કમલેશ મહેતાએ પ્રસ્તુત કરી તો ડૉ. પારૂલ મહેતાએ રસપ્રદ સંચાલન કર્યું.

અઢી કલાક અહીં શબ્દ, સૂર, સંગીતનો કર્ણપ્રિય માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત ભાવકો સ્વજનો માટે સમગ્ર કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો.

સૌથી ઉલ્લેખનીય બાબત એ છે કે, આ સંગ્રહમાંથી પ્રાપ્ત આવક કવિતા કક્ષ દ્વારા થતી કવિતાના પ્રસાર અને સંવર્ધનની પ્રવૃતિ માટે વપરાવાની છે.