અમદાવાદઃ રાજ્યમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના અધિકારીઓએ બોગસ બિલિંગનું અંદાજે રૂા. 1000 કરોડનું મસમોટું કૌભાંડ પકડી પાડ્યું છે. સાતમી જુલાઈથી ભાવનગરમાં એકસામટા 71 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન બોગસ બિલિંગની વિગતો બહાર આવી હતી. આ સંદર્ભમાં સાદિક અલી સવજાણી અને મીના રંગસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.
આ કૌભાંડમાં સંડોવાયેલા ભાવનગરના અફઝલ સાદિક અલી સવજાણીએ રૂા. 739 કરોડનું અને પ્રાંતીજનાં મીનાબહેન રંગસિંહ રાઠોડ (ઝાલા) અને રૂા. 577 કરોડનું બોગસ બિલિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાલેયી માધવ કોપર લિમિટેડે બોગસ બિલિંગના માધ્યમથી રૂા. 75 કરોડની ગેરકાયદે વેરાશાખ-ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સાતમી જુલાઈએ 36 કંપનીઓ, પેઢીઓ, બોગસ બિલિંગ ઓપરેટર્સ તથા તમની સાથે સંકળાયેલા લોકોના ધંધા-રહેઠાણ મળીને કુલ 71 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર, રાજકોટ, સુરત, પ્રાંતીજમાં 80 જેટલી ટીમોએ મળીને પાડ્યા હતા. ભાવનગરનાં 42, અમદાવાદનાં 17, ગાંધીનગરનાં પાંચ, સુરતનાં ચાર, રાજકોટનાં બે અને પ્રાંતીજના એક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડેટા મળી આવ્યા હતા. GSTના અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાથમિક અંદાજ મુજબ માધવ કોપર લિમિટેડે રૂા. 425 કરોડની ખરીદી બતાવીને આશરે રૂા. 75 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને અફઝલ સાદિક અલી સવજાણીએ GSTના રજિસ્ટ્રેશન નંબર મેળવ્યાં હતાં. તેમાં 15થી 20 કંપનીઓને નામે રૂા. 577 કરોડની આસપાસનાં બોગસ બિલો બનાવ્યા હોવાનું જણાયું છે તેમ જ ભાવનગરના અફઝલ સવજાણીની 25 જુદી-જુદી પેઢીઓમાંથી રૂા. રૂા. 739 કરોડના બોગસ બિલ બનાવીને રૂા. 135 કરોડની ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિડ મેળવી લીધી છે.