રાજ્યમાં દોઢ વર્ષે સરકારની શાળા-કોલેજો ખોલવા મંજૂરી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસો નિરંતર ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોને વધુ હળવાં કર્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ શાળ-કલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ૧૫ જુલાઈ, ૨૦૨૧થી ધો. ૧૨ના વર્ગો, પોલિટેક્નિક સંસ્થાનો અને કોલેજ ૫૦ ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. જોકે હાલ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. આ સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ ગઈ કાલે જ વધુ શહેરોને રાત્રિ-કરફ્યુમાંથી પણ મુક્તિ આપી છે, જ્યારે અમદાવાદ સહિતનાં આઠ મહાનગરોમાં રાત્રિ-કરફ્યુ યથાવત્ રાખ્યો છે.

સરકારે કોચિંગ અને ટયુશન કલાસિસોને 50 ટકાની ક્ષમતા સાથે છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાંય હવે 150 જણની હાજરીની મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ નવા નિયમોનો 10 જુલાઈથી અમલ થશે. આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10-12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમ જ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી.

જોકે સ્કૂલ-કોલેજો શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા કરવી પડશે, વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાવું જોઈએ. એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થવો જોઈએ. ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે, એ યથાવત્ રહેશે.