અમદાવાદઃ ઉસ્માનપુરામાં આવેલા વિશ્વકોશ ભવનમાં આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિનની ઉજવણી જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈના મુખ્ય મહેમાનપદે આયોજિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત નાની વયનાં બાળ કવિ અને લેખકોનું ડો. કુમારપાળ દેસાઈ અને ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદભાઈ શાહે સ્મૃતિ ચિહન અને સન્માન પત્ર આપી અભિવાદન કર્યું હતું.
ડો. કુમારપાળ દેસાઈએ વાચનની મહત્તા સમજાવતાં કહ્યું હતું કે આ વાચનના સંસ્કાર નાનપણથી પડે તો બાળકનું વ્યક્તિત્વ વિકાસ પામે છે, જેનો લાભ વ્યક્તિ અને સમાજને મળે છે.
શેઠ સી.એન વિદ્યાવિહારનાં નિયામક વૈશાલીબહેન શાહે જણાવ્યું હતું કે હાલના દિવસોમાં બાળકોમાં જેમ મોબાઇલનો ચસકો લાગ્યો છે, તેવો ચસકો વાચનને લાગે એ ખૂબ જરૂરી છે. આવો સંકલ્પ પ્રત્યેક વિદ્યાર્થીએ કરવો જોઈએ. જાણીતાં શિક્ષણકાર જિગિશાબહેન પટેલે જણાવ્યું હતું કે આ બાળ પુસ્તક દિન જાણીતા સાહિત્યકાર હેન્સ એન્ડરસનની સ્મૃતિમાં 1967થી વિશ્વના વિવિધ દેશો ઊજવે છે. આ દિનની ઉજવણીનો એક મહિમા છે અને તેનો હેતુ વાચનની પ્રવૃત્તિનો વિકાસ અને વિસ્તાર થાય તે છે. બાળકોમાં વાચનની ટેવ નાનપણથી પડે એ ખૂબ જરૂરી છે. આ માટે વિવિધ સાહિત્યિક અને સામાજિક સંસ્થાઓએ વિવિધ કાર્યક્રમો કરવા જોઈએ.
કેન્દ્રના પ્રમુખ પ્રમોદભાઈ શાહે સ્વાગત પ્રવચન અને કેન્દ્રના કાર્યાધ્યક્ષ અજયભાઈ દોશીએ સંચાલન અને આભાર વિધિ કરી હતી.