કેલિફોર્નિયામાં ‘જૂઈ-મેળો’ 2022ની શાનદાર ઉજવણી કરાઈ

કેલિફોર્નિયાઃ તાજેતરમાં અમેરિકામાં કેલિફોર્નિયાના મિલપિટાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ‘જૂઈ- મેળા’ના વાર્ષિક સંમેલનનું આયોજન થયું હતું. વિશ્વભારતી સંસ્થાન, અમદાવાદ (ગુજરાત, ભારત) દ્વારા 26 માર્ચે કેલિફોર્નિયામાં ભારતીય સ્ત્રી સાહિત્યકારો અને કલાકારો માટેના આંતરરાષ્ટ્રીય સાહિત્ય અને કલા-મહોત્સવ ‘જૂઈ- મેળા’ 2022નું શાનદાર અને સફળ આયોજન યોજાવામાં આવ્યું હતું.

આ ટ્રસ્ટ ડો. ઉષાબહેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ નારી-ચેતના અને નારીની સર્જનાત્મક શક્તિને ઉજાગર કરવા અનેક કાર્યક્રમ ભારત અને વિશ્વમાં કરી રહ્યું છે.  ‘જૂઈ- મેળો’નાં સ્થાપક કવયિત્રી ઉષા ઉપાધ્યાયે તેમના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે સાહિત્ય, કલા અને સંસ્કૃતિના વિકાસમાં આરંભથી જ સ્ત્રીઓનું ખૂબ મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે, પરંતુ ઇતિહાસમાં એની યોગ્ય નોંધ લેવામાં નથી આવી. દર વર્ષે માર્ચમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘જૂઈ- મેળો’ યોજાય છે. આ રીતે  ઉષાબહેન નવોદિત લેખિકાઓને આગળ વધવા મંચ અને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

મહેમાનોએ એમના પ્રાસંગિક વક્તવ્યમાં મહિલા સશક્તીકરણ, ભારતીય કળા, સંસ્કૃતિ અને ભારતીય ભાષાઓની જાળવણી તેમજ વિકાસ માટે વિશ્વભારતી સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. કેલિફોર્નિયાની સેનેટના સદસ્ય બોબ વિકોન્સિવ  તથા કેલિફોર્નિયા લેજિસ્લેટિવ એસેમ્બલીના સદસ્ય એલેક્સ લીએ ભારતીય સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ડો. ઉષા ઉપાધ્યાયે આપેલી સુદીર્ઘ  સેવા અને મૂલ્યવાન પ્રદાનને બિરદાવીને તેમને સન્માનપત્ર એનાયત કરી એમનું સન્માન કર્યું હતું.

ઓનલાઇન સુવિધા દ્વારા વિશ્વના અલગ ખૂણે રહેતી કવિયત્રી બહેનોએ કાવ્ય પઠન અને સુરીલા અવાજમાં ગીતોની પ્રસ્તુતી કરી કાર્યક્રમ યાદગાર બનાવ્યો હતો. અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના બે એરિયામાં વસતા ભારતીય સાહિત્યકારો, સંગીતકારો તથા અનેક કલારસિકોની ઉત્સાહપૂર્ણ હાજરી વચ્ચે ઉલ્લાસભર્યા વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.