વિશ્વ બેન્ક, AIIB રાજ્યની સ્કૂલો માટે રૂ. 7500 કરોડ આપશે

અમદાવાદઃ વિશ્વ બેન્ક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક રાજ્ય સરકારને ઉત્કૃષ્ટ સ્કૂલ મિશનના પ્રોજેક્ટ માટે રૂ. 7500 કરોડની લોન આપશે. એનો હેતુ રાજ્યમાં શિક્ષણનો સ્તર સુધારવાનો છે. રાજ્ય સરકાર ઉત્કૃષ્ટ સ્કૂલ મિશન પ્રોજેક્ટ હેઠળ આગામી પાંચ વર્ષમાં રૂ. 10,000 કરોડનો ખર્ચ કરશે.

આ પ્રોજેક્ટમાં 35,133 સરકારી અને 5847 સહાયતા (ગ્રાન્ટ) પ્રાપ્ત સ્કૂલોને આવરી લેવામાં આવશે, એમ એક અધિકારીએ આ વિશે માહિતી આપી હતી. સત્તાવાર જાહેરાત મુજબ વિશ્વ બેન્ક અને AIIBએ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે રૂ. 7500 કરોડની મંજૂરી આપી દીધી છે.

આ પ્રોજેક્ટ માટે વિશ્વ બેન્કનું એક પ્રતિનિધિ મંડળ ગ્લોબલ એજ્યુકેશન ડિરેક્ટર જેમ સાવેદ્રાની આગેવાની હેઠળ રાજ્યના શિક્ષણ વિભાગના કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળે ગુજરાત મોડલની પહેલનો અભ્યાસ કરશે અને તેમને એ યોગ્ય લાગશે તો એ  વિશ્વની સ્કૂલો માટે સૂચન કરશે. શિક્ષણ વિભાગે  તાજેતરમાં જ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટર લોન્ચ કર્યો હતો, જેમાં શિક્ષણ વિભાગ બાળકોની અને શિક્ષકો હાજરી તેમ શિક્ષણની ગુણવત્તા અને ઈ-લર્નિંગ પ્રોજેક્ટની દેખરેખ રાખશે, એમ તેમણે કહ્યું હતું.

આ ફંડનો ઉપયોગ 41,000 સરકારી અને ગ્રાન્ટ પ્રાપ્ત સ્કૂલોમાં વિવિધ વર્ગોના 50,000 રૂમો, દોઢ લાખ સ્માર્ટ વર્ગો, 20,000 નવી કોમ્પ્યુટર લેબ અને 5000 ટિંકરિંગ લેબના વિકાસ માટે કરવામાં આવશે.