ગુજરાતમાં 17 નવા તાલુકા જાહેર, કુલ 265 થયા

0

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં વહીવટી સરળતા લાવવા અને લોકોની સુવિધા વધારવા માટે 17 નવા તાલુકાની રચના કરવામાં આવી છે. આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ નવા તાલુકાઓની રચના માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી દેવાઈ છે. આ સાથે હવે રાજ્યમાં કુલ તાલુકા વધીને 265 થઈ ગયા છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મંત્રીમંડળના આ મહત્ત્વપૂર્ણ નિર્ણય અંગે જણાવતા કહ્યું કે, ‘સરકારે રાજ્યના શાસનમાં સરળતા રહે તે હેતુથી આ નિર્ણય લીધો છે. નવુ તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થાય તેમજ અંતરિયાળ ગામોમાંથી તાલુકા મથકે આવવા-જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ કરવાના હેતુ સાથે આ નવા 17 તાલુકાઓની રચનાને મંજૂરી આપવામાં આવી છે.આ નવા 17 તાલુકાઓની રચના થવાથી હાલના 51 વિકાસશીલ તાલુકાઓની સંખ્યામાં 10 તાલુકાઓનો વધારો થશે અને તાલુકાઓને મળતી ગ્રાન્ટનો લાભ મળતો થશે. એટલું જ નહીં નવા જિલ્લા અને તાલુકાઓનું નવીન વહિવટી માળખું ઉભુ કરવા સાથે વિવિધ વિકાસ કામો માટે મળતી ગ્રાન્ટમાં પણ વધારો થશે.

નવા તાલુકા:

નવા તાલુકામાં રાહ, ઉકાઈ, અરેઠ, અંબિકા, ઓગડ, ધરણીધર, ગુરુ ગોવિંદ લીંબડી, કદવાલ, ફાગવેલ, શામળાજી, સાઠંબા, ઉકાઈ, ગોધર, કોઠંબા, ચીકદા, નાનાપોઢા તથા હડાદ સામેલ છે.