રાજકોટ: દવા અને દુઆના કારણે હું સ્વસ્થ થઇ

રાજકોટ: મૃત્યુના મુખમાંથી પાછા ફરેલા કોઈ વ્યક્તિની વેદના ને ક્યારેય જાણી છે ? તેની લાગણીને ક્યારેય પિછાણી છે ? આવો પ્રશ્ન આપણને કોઈ પૂછે તો આપણો જવાબ સહેજેય ‘ના’ જ હોય. કેમકે આપણી સાથે જોડાયેલા આપણા અંગત વ્યક્તિઓ સાથે આવી ઘટના ક્યારેય બની જ નથી હોતી બહુ ઓછા લોકો હોય છે કે જેણે આવી વ્યક્તિની વેદના – લાગણીઓને જાણી હોય.


કોરોનાની મહામારી સમયે ગુજરાતમાં આવી કેટલીક ઘટનાઓ બની છે, જ્યાં સરકારી હોસ્પિટલના ડોક્ટરની સાથે આરોગ્ય કર્મીઓએ કોરોનાગ્રસ્ત લોકોની વેદનાને વાંચી તેમના માટે દવા અને દુવા બંને કરીને તેમને સાજા કર્યા છે.

આવો જ એક કિસ્સો છે રાજકોટમાં છેલ્લા પચાસ વર્ષથી રહેતા ૭૦ વર્ષીય વિમળાબેન કાનાબાર અને તેમના પુત્ર કૌશલનો કે જેવો કોરોના વાયરસથી સંક્રમિત બન્યા બાદ સરકારી હોસ્પિટલના તબીબો અને આરોગ્ય કર્મીઓની આરોગ્ય સેવાઓના કારણે મૃત્યુને હાથતાળી આપી કોરોનામુક્ત બન્યા છે.

૭૫ વર્ષની વયે મૃત્યુને હડસેલી કોરોનાની બીમારીમાંથી બહાર આવી સ્વસ્થ બનેલા વિમળાબાના શબ્દોમાં જ કહીએ તો “મને જ્યારે અહીં લાવવામાં આવી ત્યારે મને હતું કે મને ન્યુમોનિયા જ છે, પરંતુ પછી મને કોરોના હોવાનું ડિટેક્ટ થયું. સતત ૧૩ દિવસ સુધી અહીંના ડોક્ટરોએ અને આરોગ્યના સ્ટાફે મારી એટલી સંભાળ લીધી છે, મને એટલી સાચવી છે, કે આજે હું સાજી થઈ ગઈ છું. અહીંના ડોક્ટરોએ ધૂણી ધખાવીને કરેલી દુઆ અને દવાના કારણે આજે હું સ્વસ્થ છું.

વિમળાબાએ ગદગદિત સ્વરે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે મારે શું કહેવું તે માટે મને શબ્દો નથી મળતા. આ બધી અંદરની સૂક્ષ્મ બાબતો છે અને એ મહેસૂસ કરો તો જ ખબર પડે. આજે હું સંપૂર્ણ સાજી થઈને અહીંથી વિદાય લઈ રહી છું ત્યારે મને આ જગ્યા છોડતાં દુઃખ થાય છે. અહીંના ડોક્ટરો – આરોગ્ય કર્મચારીઓ એ બધાએ આટલા દિવસો સુધી બા – બા કહીને મને એટલે સાચવી છે મારી એટલી સેવા કરી છે કે જાણે એ બધા મારા સંતાનો ન હોય ! હવે અહીંથી નીકળવાનું મન જ નથી થતું. પ્રભુ મને મોકો આપે તો હું પણ અહીં સેવામાં જોડાઈ જાઉ.

 

વિમળાબાના શબ્દો અક્ષરસહ સાચા પડે એવી જ સેવા રાજકોટની આ સરકારી હોસ્પિટલના તબીબો અને તેના કર્મીઓ બજાવી રહ્યા છે. જેના કારણે જ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની કાયમી તકલીફ ધરાવતા વિમળાબાનુ ૧૩ દિવસના ટૂંકાગાળામાં જ કોરોના પોઝિટિવમાંથી નેગેટિવ થયો છે. વિમળાબાએ હોસ્પિટલમાંથી તેમની વિદાય પ્રસંગે ભાવુકતા સાથે તેમના “દીદી” એ કહેલા શબ્દો વર્ણવતા કહ્યું હતું કે, ” હું છું હરિનો હરિ છે મુજ રક્ષક, હરિ કરે તે મારા હિતનું, તે નિશ્ચય બદલાયના.”

(હેતલ દવે)