ઉનાળામાં વરસાદી માહોલઃ ક્યાંક વરસાદ, ક્યાંક કરાં પડ્યા

અમદાવાદઃ રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. ક્યાંક કરા સાથે વરસાદ પડ્યો છે, તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને પગલે કૃષિ પાકોને મોટા પાયે ખાસ કરીને કેરી, જીરું, ચણા અને ધાણા, ચણા દાળમાં વ્યાપક નુકસાનના અહેવાલો છે.  રાજ્યમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચે ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના ખેડૂતો પર હજુ પણ કમોસમી વરસાદનું સંકટ બે દિવસ સુધી જોવા મળશે. સાઇકલોનીક સર્ક્યુલેશન સક્રિય હોવાના પગલે ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ સહિતના સામાન્ય વરસાદની આગાહી છે.

બનાસકાંઠાના અંબાજીના દાંતા પંથકમા બરફના કરાં સાથે વરસાદ પડ્યો છે. જેમાં ખેતરોમાં પાણી ભરાતાં પાકને નુકસાન થયું છે. દાંતા પંથકમાં ખેડૂતોએ ઘઉંનુ વાવેતર કરેલું હતું. ખેડૂતોને હાથમાં આવેલો પાક ઝૂંટવાઈ ગયો છે. કચ્છમાં વરસાદ બાદ કરા પડતાં લોકોમાં કુતૂહલ સર્જાવાની સાથે અચાનક માથા પર પથરા પડવાના શરુ થયું હોય તેવા અનુભવ શરૂઆતમાં થયા હતા. જે બાદ ખેતરોમાં તથા રસ્તા પર કરાં પડેલા જોઈને લોકો તેને હાથમાં લઈને નિહાળવા લાગ્યા હતા.

વીજળી પડતાં પાંચ લોકોના થયા મોત

મધ્ય ગુજરાતના વડોદરામાં ગોત્રી અને ગોરવા વિસ્તારમાં કરાં સાથે વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના સોનગઢ અને ડાંગમાં કરાં પડતાં લોકોમાં કૂતુહલ સર્જાયું. બીજી તરફ રાજ્યમાં વીજળી પડવાની અલગ-અલગ ઘટનામાં કુલ પાંચ વ્યક્તિના મોત થયાં હતાં.  દાહોદમાં વીજળી પડવાને કારણે બે પશુઓનાં મોત થયાં હતાં.