PM મોદી અને શેખ હસીનાએ ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇનનું કર્યું ઉદ્ઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઇપલાઇનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આજે ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. અમે સપ્ટેમ્બર 2018માં ભારત-બાંગ્લાદેશ ફ્રેન્ડશિપ પાઈપલાઈનનો શિલાન્યાસ કર્યો હતો. મને ખુશી છે કે આજે વડાપ્રધાન શેખ હસીના સાથે તેનું ઉદ્ઘાટન કરવાની તક મળી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એ પણ સંતોષની વાત છે કે કોવિડ મહામારી છતાં આ પ્રોજેક્ટનું કામ ચાલુ રહ્યું. આ પાઈપલાઈન ઉત્તર બાંગ્લાદેશના વિવિધ જિલ્લાઓમાં 10 લાખ મેટ્રિક ટન હાઈ સ્પીડ ડીઝલનો સપ્લાય કરી શકશે.

વડા પ્રધાને જણાવ્યું હતું કે વડા પ્રધાન શેખ હસીનાના સક્ષમ નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. દરેક ભારતીયને આનો ગર્વ છે અને અમને આનંદ છે કે અમે બાંગ્લાદેશની આ વિકાસ યાત્રામાં યોગદાન આપી શક્યા છીએ. મને ખાતરી છે કે આ પાઈપલાઈન બાંગ્લાદેશના વિકાસને વધુ વેગ આપશે અને બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવાનું ઉત્તમ ઉદાહરણ પણ બની રહેશે.