અમદાવાદઃ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ચોમાસું જામ્યું છે. રવિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, પરંતુ રાજકોટના કાગદડી ગામમાં વરસાદેએ તાંડવ મચાવ્યું હતું. માત્ર બે કલાકમાં જ 12 ઇંચ વરસાદ ખાબકતાં ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ગ્રામજનોના કહેવા મુજબ 100થી 150 પશુ તણાયાં છે, જેમાંથી 25ના મૃતદેહ મળ્યા છે અને બાકીનાં પશુઓની હજુ સુધી ભાળ નથી. ગામના નીચાણવાળા વિસ્તારોમાં માથાડૂબ પાણી ભરાયાં હતાં.
હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેને કારણે રાજ્યના કુલ 56 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયા છે.
છેલ્લા બે દિવસમાં રાજકોટ જિલ્લાને ધમરોળતાં 8.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ ધોરાજીના મોટી મારડમાં 9 અને લોધિકામાં 8 ઈંચ વરસાદ ખાબકતાં હજી પણ જળબંબોળની સ્થિતિ જોવા મળી રહી છે. ભાવનગરના મહુવા પંથક અને ગ્રામ્ય વિસ્તારના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. મહુવા પંથકના મોટા ખૂટવડા, ગોરસ, બોરડી, કિકરિયા સહિત ગામડામાં ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે.
ઉપરવાસમાંથી પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમમાં નવાં નીર આવ્યાં છે. ઉપરવાસમાંથી 4274 ક્યુસેક પાણીની આવક થવાથી 26 જુલાઈએ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 115.88 મીટરે પહોંચી હતી. ત્યારબાદ પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની જળસપાટી 116.32 મીટરે પહોંચી છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.