ધોળાવીરાને યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સ્થળનો દરજ્જો આપ્યો

અમદાવાદઃ યૂનેસ્કો સંસ્થાએ ઘોષિત કરેલા વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં ગુજરાતના કચ્છ જિલ્લાના ધોળાવીરા શહેરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ધોળાવીરા હડપ્પા યુગની સંસ્કૃતિ જેટલું જૂનું છે. યૂનેસ્કો સંસ્થાએ આ જાહેરાત તેના ટ્વિટર હેન્ડલ પર કરી છે અને અભિનંદન આપ્યા છે. યૂનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટીનું હાલ 44મું સત્ર ચાલી રહ્યું છે. તેમાં ધોળાવીરા ઉપરાંત ભારતના એક અન્ય સ્થળે પણ સ્થાન મેળવ્યું છે. તે છે તેલંગણા રાજ્યનું રુદ્રેશ્વર કે રામપ્પા મંદિર.

આ સાથે વર્લ્ડ હેરિટેજ સ્થળોની પ્રતિષ્ઠિત યાદીમાં ગુજરાતના સ્થળની સંખ્યા ચાર થઈ છે. અન્ય ત્રણ છેઃ પાવાગઢ નજીકનું ચાંપાનેર, પાટણની રાણીની વાવ અને અમદાવાદ ઐતિહાસિક શહેર.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આનંદ વ્યક્ત કર્યો છે. એમણે ધોળાવીરાની હડપ્પા યુગની તસવીરોને પોસ્ટ કરીને લખ્યું છે કે ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવનાર લોકોએ ધોળાવીરાની મુલાકાત લેવી જ જોઈએ.

કેન્દ્રના સાંસ્કૃતિક પ્રધાન જી. કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને કહ્યું છે કે ધોળાવીરાએ વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તેથી આજનો દિવસ ભારત તથા ખાસ કરીને ગુજરાતની જનતા માટે ગર્વનો દિવસ છે. આ યાદીમાં ભારતના 40 સ્થળો સામેલ છે. 2014ની સાલથી આ યાદીમાં ભારતના 10 નવા સ્થળોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ ટ્વીટ કરીને આનંદ વ્યક્ત કર્યો છે અને લખ્યું છે કે, હર્ષની વાત છે કે ગુજરાતના ધોળાવીરા શહેરની હડપ્પા યુગના અવશેષોનો યૂનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર તરીકે સ્વીકાર કર્યો છે. ભારતીય ઉપમહાદ્વીપમાં વિકસિત હડપ્પા સભ્યતાની સમૃદ્ધ સંસ્કૃતિનું આ પ્રમાણ છે.