કેલિફોર્નિયામાં ભારતીય મૂળની 24 પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન

કેલિફોર્નિયાઃ અમેરિકામાં વસતા ભારતીય મૂળની ૨૪ પ્રતિભાશાળી મહિલાઓનાં સન્માનનો અહીં સમારોહ યોજવામાં આવ્યો હતો. સામાજિક, શૈક્ષણિક અને વ્યવસાય ઉપરાંત વિવિધ ક્ષેત્રે કાર્યરત આ મહિલાઓનો સ્ટેપ ટૂ સ્ટેપ ઇન્કો, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ભારતવાસીઓ વિદેશમાં જ્યાં પણ વસે છે ત્યાં વિવિધ ક્ષેત્રે પોતાનું પ્રદાન કરતાં હોય છે. અમેરિકામાં આ વર્ષે સૌપ્રથમવાર ભારતના અશોકચક્રના ૨૪ આરાઓની થીમ પર મૂળ ભારતીય મહિલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન સ્ટેપ ટૂ સ્ટેપના વાસુ પવાર, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ દ્વારા કરવામાં હતું. સેરિટોઝ કોલેજનાં ચેરપર્સન નાઝિયા યેહિયા, ડાયરેક્ટર કેરોલ ક્રૂમ્બેઝ, ડાઉગ થોમસન, જીગ્નેશ મહેતા, અનિલ દેસાઇ, જેક ફિનાનેલ તથા ઓનેસ્ટ રેસ્ટોરન્ટના કૌશિક પટેલે હાજરી આપી હતી.

સન્માન સમારોહમાં સંબોધન કરતાં વાસુ પવારે જણાવ્યું હતું કે, ભારતીય મહિલા વિશેષોને સન્માન કરતાં અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. પરિમલ શાહે જણાવ્યું હતું કે, વિદેશની ધરતી પર ભારતીય મહિલાઓની સાહસિક્તાને સન્માનવાનો આ યાદગાર અવસર છે. લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે, આ સન્માન સમારોહ મૂળ ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો છે.

સમારોહમાં પૂર્વ મિસ ઍશિયા, યુઍસઍ સ્મિતા વસંત, ભારતીય સંસ્કૃતિ અને હિન્દી ભાષામાં ફિલ્મ બનાવતાં તથા ઍક્ટિવિસ્ટ ઐશ્વર્યા નિધિ, મેક-અપ આર્ટિસ્ટ ડાન્સ કોરિયોગ્રાફર મોનાલિસા ખંડકે, ઓટિઝમની ખામીવાળા બાળકો માટે જેમના પ્રયાસથી ૧ લાખ ડોલરનું દાન ઍકત્ર થયું ઍવા ૧૬ વર્ષીય વિદ્યાર્થિની રાધિકા શાહ, કથક ડાન્સર આરતી માણે, સ્ત્રી સશક્તિકરણ માટે કાર્યરત ચારુ શિવકુમારન, ૨૨ વર્ષની વિદ્યાર્થિની તથા રેન્ડમ ઍક્ટ્સ કાઇન્ડનેસ ક્લબનાં સ્થાપક હેના નુર, ગાયનેકોલોજિસ્ટ અને કોસ્મેટિક સર્જન ડો. મનોરમા ગુપ્તા, કેલિફોર્નિયા રાજ્યના કરેક્શન વિભાગનાં નિવૃત નર્સ કન્સલટન્ટ રાની કુત્સો, ભારતીય ક્લાસિકલ ડાન્સર ડો. સિંદૂરી જયસિંઘે, ગાયક-કમ્પોઝર-ગીતકાર ડો. રોહઝે મુરલી ક્રિષ્નન, યુઍસઍ કનેક્ટ વિભાગના પ્રીપેઇડ યુઍસઍનાં પ્રેસિડન્ટ ડોલી ઓઝા, હોપ બી. લીફનાં સ્થાપક રૂહી હક, રીપબ્લિક સિટીઝ અને કમ્યુનિટીઝના ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીના પૂર્ણી, માઇકલ મહેતા, લેખિકા હર્ષિ ગીલ, નવલકથાકાર કમલેશ ચૌહાણ, પોતાના કુટુંબમાંથી પ્રથમ સ્નાતક બનેલાં પાર્વતી કોટા, સામાજિક કાર્યકર્તા બલજીતકૌર, મ્યુઝિક આર્ટિસ્ટ ડો. વર્ષિણી મુરલીક્રિષ્નન, ભરતનાટ્યમ તથા પેન્ટિંગ માટે જાણીતા જયા હેમાની, સાહસનાં સ્થાપક પાયલ સહાણે, વર્લ્ડ હેરિટેજ કલ્ચરલ સેન્ટરના શેટ્ટી પરસૌદનું સન્માન કરાયું હતું.