રાજ્યમાં આગામી 5 દિવસમાં થશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી…

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરીથી એકવાર સક્રીય થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં દક્ષિણ-ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ વરશે. અરપ એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી પાંચ દિવસ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યારે વરસાદી માહોલ યથાવત છે, તો સૌરાષ્ટ્રની દરિયા પટ્ટીમાં વરસાદ થઈ રહ્યો છે.

અત્યારે હવામાનમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી ચાલી રહી છે, ત્યારબાદ અપર એરસાયક્લોનિક સિસ્ટમ હતી તેના કારણે 26-29 જુલાઇ સુધી રાજ્ય પર એક લો પ્રેશર બની રહેશે. આ લો પ્રેશર 998 મિલીબારનું છે. દક્ષિણ ગુજરાતના વાપી-વલસાડ, સુરત મધ્ય ગુજરાતના વડોદરા મહીસાગર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આગળ આવી રહ્યું છે, તેના લીધે સારા વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે અલનીનોની અસરના કારણે લાંબા સમય સુધી ચોમાસા માટે રાહ જોવી પડી હતી પરંતુ હવે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.