અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. રાજ્યના કુલ 70 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં મહીસાગરના સંતરામપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય રાજ્યના 12 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 91 તાલુકામાં ઓછોવત્તો વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે. વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી હતી. શહેરમાં આજે પવન સાથે વરસાદનું આગમન થયું હતું.
અમરેલીના સાવરકુંડલા તાલુકામાં સતત ચોથા દિવસે મેઘમહેર થઈ છે. ચોથા દિવસે પણ સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમા ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વીજપડી, ગોરડકા, ખડસલી, ભમર, છાપરી ધારીના દલખાણિયા, ખીચા ,દેવળા અને ડાભાળી જીરા સહિતનાં ગામોમાં વરસાદ પડ્યો છે.
વિસાવદર પંથકમાં ઝરમર વરસાદ પડ્યો છે. ગીર ગઢડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ફ્રરેડા, જાખિયા, બાબરિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જૂનાગઢ સહિત ભેંસાણા તાલુકાના અલગ-અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદના અહેવાલ છે. વલસાડના ધરમપુરમાં વરસાદ વરસ્યો હતો. કપરાડા, નાનાપોઢા, પારડી, ,ચીવલ,અરનાલા વિસ્તાર વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને અસહ્ય ગરમીમાંથી લોકોને મળી રાહત મળી છે.
હવામાન વિભાગે રાજ્યમાં આજથી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી પણ કરવામાં આવી છે.