પહેલા વરસાદમાં શહેરના રસ્તા ધોવાયાઃ તંત્ર કામે લાગી ગયું

અમદાવાદઃ શહેરમાં રવિવારની સાંજે અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો. વહેલી સવારથી જ ઉકળાટ અને બફારા બાદ સાંજે સુસવાટા મારતા પવનની સાથે વીજળીના ચમકારા શરૂ થઈ ગયા હતા. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયાં હતાં તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતાં કોર્પોરેશનની પ્રી-મોન્સુન કામગીરીની પણ પોલ ખૂલી ગઈ છે. અમદાવાદના એસજી હાઇવે, ચાંદલોડિયા, નવાવાડજ, આશ્રમ રોડ, નેહરુનગર, વટવા અને વસ્ત્રાલ સહિતના રોડ પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયાં હતાં. વરસાદ પડતાં વાહનોની લાંબી કતારો પણ જોવા મળી હતી. શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડતી આકરી ગરમી બાદ પડેલા વરસાદથી શહેરના તાપમાનમાં ઘટાડો થયો હતો. રાત્રે પડેલા વરસાદથી શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. કેટલાક વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો.

સોમવારની સવારે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ચોમાસામાં વરસાદી પાણી ના નિકાલ માટે વહેલી સવારથી જ મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગી ગયું હતું. શહેરના નીચાણવાળા વિસ્તાર, મોટા અંડર બ્રિજ, ગરનાળાની સાફસફાઇ અને સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)