અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં ગાજવીજ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 11 ઓગસ્ટ પછી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સવારથી જ વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી, દ્વારકા, ભાવનગર અને જૂનાગઢમાં વરસાદ નોંધાયો છે. અમરેલીમાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ યથાવત છે. બગસરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 97 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં સતત વરસાદી માહોલ યથાવત છે.
અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ
અમદાવાદ સહિત વડોદરા, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા છે. પાછલા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અનેક જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમં વરસાદ શરૂ થયો છે. કોડિનાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કોડિનારના દેવળી, સરખડી, રોનાજ કડોદરા, દુદાણા, મિતિયાજમા વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ
ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. મહુવા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. સાથે જ સિનેમા વિસ્તાર, તળાવ, પોલીસ ચોકી, એસટી સ્ટેશન, માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
ઉમરપાડામાં સૌથી વધુ સાડાપાંચ ઈંચ વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 188 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના માંગરોળમાં સાડા ચાર ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં સાડા ત્રણ અને ભરુચના નેત્રંગમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.
54 જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં મેઘ મહેર થતા અનેક પંથકમાં મૂરઝાતા મોલને જીવતદાન મળી ગયું છે અને જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ભાદર, ન્યારી, આજી સહિત 54 જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાદર સહિત 54 ડેમોમાં પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રના અનેક ડેમો ઓવરફલો થયા છે.