રૂપાણી-પટેલની કોરોના સંદર્ભે ભાવનગરમાં સમીક્ષા બેઠક  

ભાવનગરઃ ભાવનગરમાં કોરોના સંક્રમણ અને સારવાર સંદર્ભે રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને શહેર તેમ જ જિલ્લામાં કોરોના સંક્રમણ અને નિયંત્રણ સંદર્ભે સમગ્ર સ્થિતિનું આકલન કર્યુ હતું. તેમણે તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યાં હતાં.

દરરોજ સાંજે હાઇ પાવર્ડ કોર ગ્રુપ મિટિંગ

તેમણે બેઠક બાદ મિડિયા સાથે સંવાદ કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકાર કોરોના સંક્રમણને રોકવા તેમ જ સંક્રમિતોની સારવાર સેવામાં રાજ્યમાં પહેલો કેસ નોંધાયો ત્યારથી જ સંપૂર્ણ તાકાતથી કાર્યરત છે. છેલ્લા પાંચ મહિનાથી દરરોજ સાંજે મુખ્ય પ્રધાન નિવાસસ્થાને હાઇ પાવર્ડ કોર ગ્રુપ મિટિંગ યોજી કોરોના સંદર્ભે વિવિધ નિર્ણયો અને તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

સપ્તાહમાં ઓછામાં ઓછા બે જિલ્લાની મુલાકાત

સપ્તાહમાં ઓછામાં ઓછા બે જિલ્લાની મુલાકાત લઇ કોરોના સંદર્ભે ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરીને વહીવટી તંત્ર અને જનપ્રતિનિધિઓ સાથે પરામર્શ કરવાની રાજ્ય સરકારની નેમ છે. રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ એકંદરે નિયંત્રિત છે.

કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા સતત વધારવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના માપદંડ મુજબ પ્રતિ ૧૦ લાખ વ્યક્તિએ ૪૦૦ વ્યક્તિના ટેસ્ટ થઈ રહ્યા છે. હાલ રાજ્યમાં દરરોજ ૨૫,૦૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ધન્વંતરી રથ ગીચ વિસ્તારો

ભાવનગર શહેરમાં ધન્વંતરી રથના માધ્યમથી ગીચ વિસ્તારોમાં જઈને લોકોના આરોગ્યની તપાસ કરવા તથા રથ દ્વારા નિયત સમયે અને સ્થળે સતત પંદર દિવસ સુધી લોકોની તપાસ થતી રહે છે. જિલ્લામાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવશે તથા જિલ્લાની સરહદે આવેલી ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ સઘન બનાવાશે.

જિલ્લાના કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેલા લોકોના ટેસ્ટિંગ ઉપર ખાસ ભાર

શહેર-જિલ્લાના કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેલા લોકોના ટેસ્ટિંગ ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. વળી, કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેતા લોકો માટે આરોગ્ય તપાસ-સારવાર સુવિધા ઉપલબ્ધ બનાવવા તેમ જ રોગપ્રતિકારક શકિત વધે એ માટે નિયમિત ઉકાળાનું વિતરણ પણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

હોસ્પિટલ્સ સામે કડક પગલા લેવાની સૂચના

સમગ્ર રાજ્યમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં ફાયર સેફટી સુનિશ્ચિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યાં પણ ફાયર સેફટીની જોગવાઈઓનું પાલન નહીં થાય એ હોસ્પિટલ્સ સામે કડક પગલાં લેવાની સૂચના પણ આપવામાં આવી છે.

રાજ્યમાં રિકવરી રેટ 75.4 ટકા અને મૃત્યુ દર 3.5 ટકા

રાજ્યમાં રિકવરી રેટ 75.4 ટકા અને મૃત્યુ દર 3.5 ટકા જેટલો છે અને ગુજરાત કોરોના સંક્રમણમાં દેશમાં 12મા સ્થાને છે.