રાહુલ ગાંધી ગુજરાત આવશે, આ ઝૂંબેશની કરાવશે શરુઆત

અમદાવાદઃ આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ બંન્ને મેદાને ઉતરી છે. વડાપ્રધાન મોદી જૂદા જૂદા રાજ્યોમાં સભાઓને સંબોધી રહ્યાં છે તો, બીજી તરફ રાહુલ ગાંધી પણ રેલી અને સભાઓને સંબોધી રહ્યાં છે. રાહુલ ગાંધી ચાલુ મહિને જ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. રાહુલ ગાંધી અમદાવાદ ખાતે ‘બેહતર ભારત’ ઝૂંબેશની શરૂઆત કરાવશે. કોંગ્રેસ પ્રમુખ ગુજરાતમાં રાજ્યની વિવિધ કોલેજોના એક હજાર જેટલા NSUIના હોદેદારોને સંબોધન કરીને માર્ગદર્શન પણ આપશે.

રાહુલ ગાંધી 18 જાન્યુઆરીથી 21મી જાન્યુઆરી વચ્ચે કોઈ એક તારીખે એનએસયુઆઈના કાર્યક્રમમાં હાજરી આપશે. રાહુલ ગાંધી તરફથી આ ચાર સંભવિત તારીખ આપવામાં આવી છે. એનએસયુઆઈ તરફથી ફર્સ્ટ વોટર (પ્રથમ વખત મતદાન કરનાર)ને આકર્ષવા માટે ‘બેહતર ભારત’ ઝૂંબેશ ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત પ્રથમ વખત મતદાન કરનાર વ્યક્તિને કોંગ્રેસ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાધનપુરના કોંગ્રેસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે તે ગુરુવારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તે દિલ્હી જઈને પક્ષ પ્રમુખને ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ વિશે અવગત કરાવશે. અલ્પેશે ભાર આપતા કહ્યું હતું કે મારા સમર્થકોને યોગ્ય સન્માન મળવું જોઈએ. અલ્પેશ ઠાકોર 20મી જાન્યુઆરીના રોજ ખેડૂત બેરોજગાર મુદ્દે એક એકતા યાત્રા પણ કાઢશે. વધુમાં અલ્પેશે જણાવ્યું કે, કોંગ્રેસ પરિવારમાં યોગ્ય સ્થાન ન મળતું હોવાથી હું દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવા જઈશ.