કોંગ્રેસમાં અલ્પેશનો અલ્પ સમય? અસંતોષ ફરીથી સપાટી પર

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં અસંતોષ ફરીથી સપાટી પર આવ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડથી સીનીયર નેતાઓ નારાજ છે જ, પણ તાજેતરમાં જ કોંગ્રેસની સીટ પર વિધાનસભા જીતેલા અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસના મોવડીમંડળ સમક્ષ પોતાનો બળાપો વ્યક્ત કર્યો હતો. ગુજરાતના નેતાઓ દ્વારા તેમને અને ઠાકોર સમાજને માન સન્માન આપવામાં આવતું નથી. ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા નથી. તેમજ સંગઠનમાં પણ તેમને કોઈ જવાબદારી સોપવામાં આવતી નથી. જે મુદ્દાઓ પર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ છે, એ વાતનો સ્વીકાર આજે બુધવારે યોજેલી પત્રકાર પરિષદમાં કર્યો હતો.

અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે એવી હવા ફેલાવામાં આવી છે કે રાહુલ ગાંધી અલ્પેશ ઠાકોરને મળવાનો સમય આપ્યો નથી, પણ આ વાત ખોટી છે. હું દિલ્હી રાજેશ પટેલને મળવા ગયો હતો, અને ગુજરાત પ્રદેશની રાજકીય સ્થિતી અંગે ચર્ચા કરી હતી, અને આજે જ ફરીથી હું રાહુલ ગાંધીને મળવા દિલ્હી જઈ રહ્યો છું, તેમની સાથે ગુજરાતની વર્તમાન સ્થિતી અંગે ચર્ચા કરીશ, અને તેમને તમામ માહિતીથી અવગત કરાવીશ.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે તેઓ 20 જાન્યુઆરીના રોજ અંબાજીથી ઠાકોર સેના એકતાયાત્રા કાઢશે. તેમજ અલ્પેશે કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે પછાત સવર્ણોને 10 અનામત આપવાના નિર્ણયને આવકાર્યો હતો. અને એમ પણ કહ્યું હતું કે ઓબીસી અનામતનો લાભ હજી ઠાકોર સમાજને મળ્યો નથી.