સુરેન્દ્રનગરના દસાડા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જે.એમ. પઠાણ દારૂ ભરેલી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતા તેઓ ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું છે. પીએસઆઈનો મૃતદેહ વિરમગામ સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તથા કઠાડા ગામ રોડ વચ્ચે મોડીરાત્રે SMCમાં ફરજ બજાવતા પીએસઆઇ જાહીદખાન મુનસફખાન પઠાણનો અકસ્માત થયો હતો. જે બાદ પ્રાથમિક સારવાર દરમિયાન તેમને દુ:ખદ મોત નિપજ્યુ હતું. સાથેના પોલીસ કર્મચારી દિનેશભાઈ રાવત અને કૃષ્ણદેવસિંહ જાડેજાને પણ ઇજા થઈ છે. જે બાબતે દસાડા પોલીસ સ્ટેશન ખાતે હાલ અકસ્માત જાણવા જોગ અરજી દાખલ કરેલ છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરનો પીછો કરતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે.
સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં SMCના PSI જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. દરમિયાન, પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક અજાણ્યા ટ્રકચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં SMC PSI પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.