ગુજરાતમાં ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી 11 નવેમ્બરથી શરૂ થશે

ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ તારીખ 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી 11 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી કુલ રૂપિયા 7645 કરોડના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, રૂપિયા 450 કરોડના મૂલ્યની 92000 મેટ્રિક ટન સોયાબીન, રૂપિયા 370 કરોડના મૂલ્યની 50970 મેટ્રિક ટન અડદ અને રૂપિયા 70 કરોડના મૂલ્યની 8000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂપિયા 8474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગફળીનો ટેકાનો ભાવ માટે રૂપિયા 6783 પ્રતિ ક્વિન્ટલ, મગનો ટેકાનો ભાવ રૂપિયા 8682 પ્રતિ ક્વિન્ટલ, અડદનો ટેકાનો ભાવ રૂપિયા 7400 પ્રતિ ક્વિન્ટલ તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂપિયા 4892 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે