ગાંધીનગરઃ ગાંધીનગરઃ ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીનું બીજી માર્ચે પરિણામ જાહેર થઈ રહ્યાં છે. શહેરી મતદારો કરતાં ગ્રામીણ મતદારોએ વઘુ મતદાન કરીને જાગ્રતતાનાં દર્શન કરાવ્યાં હતાં. મહાનગરપાલિકાની ચૂંટણી માફક પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો છે. આપે સૌરાષ્ટ્ર ઉપરાંત સુરતમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને સાબરકાંઠામાં પણ એ કેટલીક બેઠકો પર મજબૂત દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર, સુરત, સાબરકાંઠામાં 40 બેઠકો સાથે આપની એન્ટ્રી થઈ ગઈ છે, જેમાં તાલુકામાં 18 અને નગરપાલિકામાં 22 બેઠકો સાથે “આપ” આગળ છે.
ચૂંટણી પરિણામ | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
જિલ્લા પંચાયતો (31) | 31 | 0 | 0 |
નગરપાલિકા (81) | 67 | 7 | 0 |
તાલુકા પંચાયતો (231) | 158 | 17 | 0 |
સૌરાષ્ટ્રની સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઈ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે. જેની સામે કોંગ્રેસના ઉમેદવારનો માત્ર એક જ વોટથી પરાજય થતાં કાર્યકર્તાઓ નિરાશ થયા છે.
રાજ્યમાં કુલ 237 બેઠકો બિનહરીફ થયેલી છે, જેમાં નગરપાલિકાની 95, જિલ્લા પંચાયતની 25 તથા તાલુકા પંચાયતની 117 બેઠકો સામેલ છે. આ પૈકી ભાજપની તરફેણમાં ૨૧૯ બેઠકો બિનહરીફ થઈ હોવાનો દાવો થયો છે.
ગુજરાત રાજ્યની 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતું.