વડા પ્રધાન મોદી હીરાબાને મળવા હોસ્પિટલ પહોંચ્યા

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત બગડી છે અને તેમને અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હોસ્પિટલે નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમની હાલત સ્થિર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાને મળવા UN મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે. તેમનું MRI અને CT સ્કેન કરવામાં આવ્યું છે. તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ હીરાબાના હાલચાલ જાણવા હોસ્પિટલમાં પહોંચ્યા છે.

હીરાબાને સવારે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ડોક્ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. હાલમાં હીરાબાએ હાલમાં જ તેમનો જન્મદિવસ ઊજવ્યો હતો.

કોંગ્રેસના સાસંસ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડા પ્રધાન મોદીનાં માતાના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

આ સાથે કોંગ્રેસ મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ પણ ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

વડા પ્રધાનના માતાના આરોગ્ય અંગે બીજું બુલેટિન હોસ્પિટલ દ્વારા સાંજે કલાકે પ્રસારિત કરવામાં આવશે.