સંચાલકોની જવાબદારી પર ખુલશે પ્રિ-સ્કૂલો..

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી અને રાજ્યના તમામ એકમો પર ચેકિંગના ધમધમાટ ચાલ્યા હતા. જેમાં કેટલીક શાળાને સીલ કરવામાં આવી હતી. તો કેટલીક બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની ચાલતી મિલકતો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

ગેમ ઝોન, હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, શાળા અને પ્રિ-સ્કૂલો સહિતની મિલકતોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી હતી. 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાહેંધરી પત્ર આપવાનો રહેશે. ફાયર સેફ્ટી કે સર્ટિફિકેટ ન હોય તેમને સર્ટિફિકેટ મેળવવા માટે 30 દિવસનો સમય અપાશે અને સર્ટિ મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે. જ્યારે બાંધકામ નિયમિત કરાયેલું ન હોય તેમને બાંધકામ નિયમિત કરાવવા માટે 3 માસના સમય માટે સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ઘટના બનશે તો તેના માટે સ્કૂલ સંચાલકો પોતે જવાબદાર રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 150 કરતા વધુ પ્રિ-સ્કૂલોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રિ-સ્કૂલો સીલ કરવા અંગેની કાર્યવાહીને લઈને સ્કૂલ સંચાલકો તથા વાલી મંડળોના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે શરતી ઉપયોગની પરવાનગી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતોને પગલે મ્યુનિ. કમિશનરની મંજૂરી મળ્યા બાદ ઝોનલ કચેરી ખાતેથી સીલ ખોલવાની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રિ-સ્કૂલો માન્ય બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ધરાવતા નથી. જેથી તેઓ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી કે રિન્યુ કરાવી શકે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી શકે તેને લઈને ફક્ત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કોમ્પ્લાયન્સની કાર્યવાહી હાથ ધરવા 30 દિવસની મુદત આપવામાં આવી છે. સ્કૂલો કે પ્રિ-સ્કૂલોએ આવા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લીધા બાદ જ ઉપયોગ શરૂ કરવા માટે સંચાલકો પાસેથી નિયત નોટરાઈઝ બાંહેધરી રજૂ કરાવી ફાયર સેફ્ટી અન્વયેના જરૂરી પ્રોવિઝન કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા અન્વયે આદેશાનુસાર સીલ ખોલવાની કાર્યવાહી કરવાની રહેશે.