વડોદરામાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટરો લાગ્યાં

વડોદરાઃ લોકસભા ચૂંટણી શરૂ થતાં પહેલાં રાજ્યમાં પોસ્ટર વોરનો પ્રારંભ થયો છે. લોકસભા વડોદરા બેઠક ઉપર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબહેન ભટ્ટને વડોદરા બેઠક માટે રિપીટ કરવામાં આવતાં ભાજપમાં જૂથવાદ ફરી એક વાર જાહેરમાં આવ્યો છે. જેમને ટિકિટ મળી નથી તેવી અસંતુષ્ટ વ્યક્તિઓ અને તેમના ટેકેદારો દ્વારા સોશિયલ મિડિયા પર મેસેજો ફરતા કર્યા બાદ મોડી રાત્રે ઉમેદવાર વિરુદ્ધ ચાર-પાંચ બેનરો લગાડવામાં આવ્યાં છે. આ પોસ્ટરો પર લખ્યું છે કે મોદી તેરે સે બૈર નહીં, રંજન તેરી ખેર નહીં. હવે આ બેનરો કોણે લગાડ્યાં છે તેની તપાસ ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રાજ્યમાં ભાજપના ગઢમાં ઉમેદવારની જાહેરાત બાદ વિરોધ શરૂ થયો છે.  વડોદરાના નારાજ ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેંચી લેતાં મામલો ઉકેલાઈ ગયો હતો, પણ હવે પોસ્ટર વોર સામે આવ્યું છે. વડોદરામાં બેનામી પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. તેમાં ‘PM મોદી સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ રંજનબહેન સ્વીકાર્ય નથી’ જેવા સ્લોગન લખેલા છે. વડોદરા શહેરમાં લાગેલા આ બેનરોએ ભાજપને નવી મુશ્કેલીમાં મૂકી દીધો છે.

લોકસભા વડોદરા બેઠક ઉપર ભાજપ દ્વારા મોટા ભાગના ભાજપ હોદ્દેદારો-કાર્યકરોના વિરોધ વચ્ચે સાંસદ રંજનબહેન ભટ્ટને ત્રીજી વખત રિપટી કરતાં જ ભાજપમાં આંતરિક જૂથવાદ હેઠળ તેમની સામે નારાજગીની શરૂઆત કરવામાં આવી છે. સૌથી પહેલાં ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડો.જ્યોતિબહેન પંડ્યાએ ગાંધીનગર ગૃહના ઓટલેથી રંજનબહેન ભટ્ટ વિરુદ્ધ ભ્રષ્ટ્રાચારના આક્ષેપો સાથે વિરોધનું રણશિંગુ ફૂંક્યું હતું. જોકે જ્યોતિબહેને ભાજપ દ્વારા ગણતરીના કલાકોમાં પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં.

ત્યાર બાદ પક્ષના આંતરિક રાજકારણમાં વધારો થયો હતો. તેમાં મોડી રાત્રે સંગમ ચાર રસ્તા પાસે આવેલી ધારાસભ્ય મનિષાબહેન વકીલના જન સંપર્ક કાર્યાલયની આસપાસ આવેલ ગાંધી પાર્ક સોસાયટી, વલ્લભ પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, ઝવેરનગર સોસાયટી અને સંગમ સોસાયટી પાસે વડોદરા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતાં શહેર ભાજપાના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.