અમદાવાદ: કુમળા છોડ જેવા બાળકોને કુપોષણ-મુક્ત કરવા માટે દેશભરમાં નિરંતર પ્રયાસો થઇ રહ્યા છે, ભારતની ભાવિ પેઢીના સુપોષિત ઘડતરની દિશામાં સરકાર દ્વારા થઇ રહેલી પ્રવૃત્તિઓમાં અનેક સંસ્થાઓ સામેલ થઇ છે. ચાલુ વરસે સપ્ટેમ્બર મહિનાને નિમિત્ત બનાવી તેને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવવામાં આવ્યો હતો તેના ભાગરુપે અદાણી ફાઉન્ડેશને ગુજરાતના કુપોષણથી અસરગ્રસ્ત નર્મદા જિલ્લાના ૫૫૦ જેટલા ગામોમાં કુપોષણના હાથવગા ઇલાજની સમજણ સહિતના પગલાઓ માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું જેમાં કુપોષિત બાળકોને શોધીને તેઓને યોગ્ય સારવાર માટે કાર્યરત ૯૫૦ આંગણવાડી બહેનો અને અદાણી ફાઉન્ડેશને ખાસ નિયુક્ત કરેલી ૧૮૭ સુપોષણ સંગીની બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નર્મદા જિલ્લાના કુપોષિત બાળગોપાળોને પોતિકા માની પૂરી સંવેદનાથી શોધવાથી લઇ આંગણવાડી બહેનો, આરોગ્ય કર્મચારીઓના સહિયારા પ્રયાસોથી સુપોષિત કરી તેમના માવતરોને હસીખુશીથી સોંપવા માટે કાર્યરત અદાણી ફાઉન્ડેશનને રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ, આઇ.સી.ડી.એસ.નો સર્વાંગ સહયોગ સાંપડ્યો છે. કોરોનાની ત્રીજી લહેરની શંકા-કુશંકાના વાતાવરણ વચ્ચે સમગ્ર સપ્ટેમ્બર માસની રંગેચંગે ઉજવણી કરી હતી. અત્યાર સુધીમાં ૧,૦૦,000 લાભાર્થીઓ સુધી પહોંચીને અતિ કુપોષિત બાળકની ઓળખ,તેઓનું સ્ક્રીનિંગ, આંગણવાડી અને બાલ સેવા કેન્દ્રોમાં મળતી સેવાઓનો લાભ લેવા ગામડાઓની બહેનોને સમજણ, બાળકના શારીરિક માનસિક વિકાસ માટેનો સમયગાળો, બહારથી આપવાના થતા ખોરાક, અન્નની રંગોલી દોરી જે તે ગામમાં ઉપલબ્ધ ખોરાકનો રોજિંદા જીવનમાં ઉપયોગ અને તેનું પૌષ્ટિક મહત્વ, સાર્વજનિક જાગૃતિલક્ષી ભીંત સુત્રો, ઓ.આર.એસ. જાતે બનાવવાની રીત, ગામ કક્ષાએ રેલી, કિશોરીઓ તથા સગર્ભા ધાત્રી બહેનો સાથે યોગા કાર્યક્રમો, પોષણ વાટીકાનું નિર્માણ, આંગણવાડી દ્વારા આપવામાં આવતા ટી.એચ.આર.માંથી પોષણયુક્ત વાનગી બનાવવાની તાલીમ, સ્થાનિક ભાષામાં વાતચીતની સામગ્રી તૈયાર કરીને સમજ તેમજ મમતા દિવસનો લાભ લેવા જેવી મહત્વની બાબતોને આવરી લેતા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
કુપોષણને ઝાઝા હાથોથી જ જાકારો આપી શકાશે અને તે માટે સરકાર સાથે સમાજસેવી સંસ્થાઓ તથા સમાજના સંકલિત પ્રયાસો ધાર્યા પરિણામો લાવી શકશે તેની અનુભૂતિ નર્મદા જિલ્લામાં સપ્ટેમ્બર માસની સુપોષણ માસ તરીકે થયેલી ઉજવણીમાં થઇ હતી. કિશોરીઓ સાથે કાર્ય કરીને એનેમિયાનું પ્રમાણ ઘટે તે હેતુથી અદાણી ફાઉન્ડેશન અને આંગાણવાડી તથા આરોગ્ય કર્મચારીઓ સંકલન કરી લાઇફ સાયકલ અભિગમથી કાર્ય કરે છે જેથી સગર્ભા બને ત્યારે અલમસ્ત બાળકને જન્મ આપે. જન જાગૃતિ માટેનું સબળ માધ્યમ એવી ગ્રામ સભાઓ માસ દરમિયાન યોજવામાં આવી હતી. જેમાં સગર્ભા અને ધાત્રી બહેનોમાં પ્રસુતિવસ્થા દરમિયાન અને બાદમાં લેવાની કાળજી વિષે સ્વીકૃત એવા ૧૦ પગલાનો અમલ કરાવી શકાય તે હેતુથી પ્રસુતા બહેનોના ઘરોની મુલાકાત અને આસપાસ સ્વચ્છતા જાળવવા વિષયક જાણકારી આપવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના પ્રસિધ્ધ ગરુડેશ્વર ખાતે યોજાયેલ ગ્રામસભામાં કુપોષણ નિવારણ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરનાર તાલુકાની ૨૯ બહેનોને પ્રસંશાપત્ર સરપંચના હસ્તે આપવામાં આવ્યા હતા. પોષણ માસની ઉજવણીના પૂર્ણાહૂતિ દિવસે ડેડિયાપાડાની ૧૫ કિશોરીઓએ એકી અવાજે કહ્યું હતું કે જેમ બાણાવળી અર્જુનની આંખનું લક્ષ્ય પક્ષી હતું તેમ અમારી આંખોનું લક્ષ્ય પણ નર્મદા જિલ્લાને કુપોષણ મુક્ત કરવાનું છે, તેમના આ બોલમાં કાર્યનિષ્ઠાનો રણકો સંભળાતો હતો.