અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અમદાવાદ એરપોર્ટ પર બાપુના જીવનનો બોધપાઠ રજૂ કર્યો

અમદાવાદઃ દર વર્ષની 2જી ઓકટોબરનો દિવસ ‘ગાંધી જયંતિ’ તરીકે ઉજવવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાથી પાછા ફરીને મહાત્મા ગાંધી જ્યાં વસ્યા હતા તે અમદાવાદ માટે ગાંધી જયંતિનું વિશેષ મહત્ત્વ છે. અમદાવાદ શહેરે આઝાદીની લડતમાં મોટું યોગદાન આપ્યું છે અને અહીં સાબરમતી આશ્રમ આવેલો છે. ગઈ કાલે શનિવારે, ગાંધીજીની 152મી જન્મ જયંતિ પ્રસંગે અદાણી વિદ્યામંદિર, અમદાવાદ (AVMA)ના ધોરણ 8 થી 11ના વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધીજીના જીવન અને મૂલ્યો અંગે સરદાર વલ્લભભાઈ પટેલ ડોમેસ્ટિક એરપોર્ટ ખાતે ફ્લેશ મોબ સાથે નૃત્ય અભિનય કર્યો હતો.

“સેલ્યુટીંગ ધ મહાત્મા” વિષય પર અદાણી વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ આપેલા કાર્યક્રમનો ઉદેશ્ય આઝાદીની લડત લડનાર રાષ્ટ્રપિતાના જીવનને અંજલિ આપવાનો હતો. આ વિનમ્ર પ્રયાસ દ્વારા વિદ્યાર્થીઓએ બાપુના જીવન અને તેમણે આપેલા બોધપાઠ અંગે કલાત્મક રજૂઆત કરી હતી. આ અનોખી સર્જનાત્મક રજૂઆત સંગીત અને નૃત્યના સમન્વયથી કરવામાં આવી હતી. આ રજૂઆત માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, પણ એરપોર્ટના પેસેન્જરો માટે પ્રેરણાત્મક બની હતી તથા ગાંધીજીના સિધ્ધાંતો મુજબ જીવન જીવવાની પ્રેરણા મળી હતી. અદાણી વિદ્યામંદિર, અમદાવાદના માનનીય ટ્રસ્ટી શિલીન અદાણી એવું માને છે કે વિદ્યાર્થીઓને ભારતના સમૃધ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે “બાપુનો ભારત દેશ માટેનો પ્રેમ અનેરો હતો તેથી તેમણે દેશની આઝાદી તથા જાતિય ભેદભાવ સામે લડત આપી હતી. તેમણે અહિંસા, સત્યાગ્રહ, સ્વચ્છતા અને સ્વદેશી વસ્તુઓ માટે આંદોલનોનો આગ્રહ રાખ્યો હતો. અમે માનીએ છીએ કે ગાંધીજીના કાર્યો અને રચનાત્મક અભિવ્યક્તિથી બહેતર જ્ઞાન મેળવવાનો બીજો કોઈ માર્ગ નથી.”

આ ફ્લેશ મોબમાં અમદાવાદ એરપોર્ટની સમગ્ર ટીમે આ પ્રસંગને યાદગાર બનાવવામાં સહયોગ આપ્યો હતો. અદાણી વિદ્યામંદિરની શાળાઓ સુરક્ષિત અને પ્રેરણાત્મક ભણતર માટેનું વાતાવરણ ઉભું કરે છે કે જ્યાં ભણતરથી વંચિત વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે સહયોગ આપવામાં આવે છે. આ સ્કૂલ સમાજના આર્થિક રીતે નબળા પણ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તા સાથેનું શિક્ષણ વિનામૂલ્ય પૂરૂં પાડે છે. આ શાળાઓ હાલમાં અમદાવાદ (ગુજરાત), ભદ્રેશ્વર (ગુજરાત), સરગુજા (છત્તીસગઢ) અને ક્રિશ્નાપટનમ (આંધ્ર પ્રદેશ) સહિત ચાર સ્થળે કાર્યરત છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને દરરોજ પૌષ્ટિક આહાર, પુસ્તકો, પરિવહન વ્યવસ્થા અને યુનિફોર્મની સગવડ પૂરી પાડવામાં આવે છે. વર્ષ 2018માં 134 વિદ્યાર્થીઓથી શરૂ કરાયેલી અદાણી વિદ્યામંદિરની શાળાઓમાં હાલમાં 2400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વર્ષ 1996માં સ્થાપવામાં આવેલી અદાણી ફાઉન્ડેશન સંસ્થા દેશના 18 રાજ્યોના 2,410 ગામ અને નગરમાં વ્યાપક કામગીરી ધરાવે છે. આ ફાઉન્ડેશનના નિષ્ણાતો રચનાત્મક રીતે, લોક ભાગીદારી અને સહયોગના અભિગમ સાથે કાર્યરત છે.