પોલીસે પાંચ હત્યા કરનારા સિરિયલ કિલરની ધરપકડ કરી

વલસાડઃ રાજ્યના વલસાડમાં એક વિદ્યાર્થિનીની સાથે બળાત્કાર પછી હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપી સિરિયલ કિલર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ આરોપીનું નામ રાહુલ જાટ છે. તે હરિયાણાનો રહેવાસી છે. તે ગુજરાતમાં આવીને ક્રાઇમ કરતો હતો. તેણે છેલ્લા 25 દિવસોમાં પાંચ હત્યા કરી હતી. વળી, તે શારીરિક રીતે વિકલાંગ છે.

આ આરોપી દિવ્યાંગ હોવાથી ટ્રેનમાં ટિકિટ લીધા વગર સરળતાથી મુસાફરી કરતો હતો. રાજ્ય શહેર બદલીને ગુનાઓને આચરતો હતો. આરોપીને પકડવા માટે વલસાડ પોલીસને ભારે મહેનત કરવી પડી હતી. પોલીસની 10થી વધુ ટીમો તપાસમાં લાગી હતી. આ આરોપીની ધરપકડ કરવા માટે પોલીસને 2000થી વધુ CCTV ફુટેજ ચકાસવા પડ્યા હતા અને 400થી વધુ પોલીસ કર્મચારીઓઓ આ ઓપરેશનમાં જોડાયા હતા. આ આરોપીને પકડવા માટે પોલીસે ટેક્નોલોજીનો સહારો લઈને વિવિધ સોફ્ટવેરનો પણ ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પોલીસે વલસાડથી આંધ્ર પ્રદેશ સુધીના રેલવેના રૂટને પણ ખંગાળ્યો હતો.

આ આરોપીએ છેલ્લા 25 દિવસમાં પાંચ હત્યાઓ કરી હતી. આરોપીએ આમાંની મોટા ભાગની હત્યાઓ ટ્રેનમાં કરી હતી. દોડતી ટ્રેન પર હત્યા કરીને આરોપી ઠંડા કલેજે એક પછી એક રાજ્યમાં ફરતો હતો. 17થી 21 ઓક્ટોબર દરમિયાન આરોપી રાહુલે પુણા કન્યાકુમારી એક્સપ્રેસમાં દુષ્કર્મ બાદ મહિલાની હત્યા કરી હતી. જ્યારે 25 ઓક્ટોબરે મેંગલુરુમાં ટ્રેનની અંદર ગળું દબાવી હત્યા કરી હતી. તો પશ્ચિમ બંગાળ, હાવરા ટ્રેનમાં 19 નવેમ્બરે યુવકનું ચપ્પુથી હત્યા અને લૂંટ કરી હતી. જ્યારે 24 નવેમ્બરે તેલંગાણા-સિકંદરાબાદમાં ગળું દબાવી હત્યા કરી હતી.