નવી દિલ્હીઃ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઇન્વેસ્ટર સમીટનું આયોજન થયું છે, જેમાં વડા પ્રધાન મોદીએ ગુજરાતમાં આયોજિત સમીટમાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશમાં નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપિંગ નીતિ લોન્ચ કરી હતી. એનાથી ઓટો ક્ષેત્રને આત્મનિર્ભર થવામાં મદદ મળશે. આ નીતિ 10,000 કરોડથી પણ વધારે મૂડીરોકાણ લાવશે. તેમણે કહ્યું હતું કે ખરાબ અને પ્રદૂષણ ફેલાવતા વેહિકલ્સને રસ્તા પરથી દૂર કરવા માટે આ નીતિ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
નવી સ્ક્રેપ નીતિ હેઠળ 15 અને 20 વર્ષ જૂનાં વાહનોને ભંગારમાં જશે. જે હેઠળ કોમર્શિયલ વાહનો માટે 15 વર્ષ અને ખાનગી ગાડીઓ માટે 20 વર્ષનો સમય નક્કી કરવામાં આવ્યો છે. એ પછી એ વાહનોને ફિટનેસ સેન્ટર લઈ જવાનું રહેશે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે, તેને સ્ક્રેપના બદલામાં એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર તેને નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે. એટલું જ નહીં, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન રૂપાણી, કેન્દ્રીય ટ્રાન્સપોર્ટપ્રધાન નીતિન ગડકરી ગાંધીનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગડકરીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ભાવનગરના અલંગમાં દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. કેન્દ્રની નવી નીતિ એક ઓક્ટોબર, 2021થી લાગુ થશે. કચ્છમાં જૂના વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થપાશે. હવે દેશભરમાં સ્ક્રેપ પોલિસી લાગુ થશે.
આ સ્ક્રેપિંગ નીતિ સમયની માગ છે. આ નીતિમાં ઉદ્યોગકારોની મોટી ભૂમિકા છે.. આગામી 25 વર્ષ દેશ માટે મહત્વના છે. આ નીતિ પર્યાવરણ માટે પણ જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના અલંગને શિપ રિસાઇકલિંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. આ નીતિથી સામાન્ય લોકોને ઘણો લાભ મળશે અને દેશમાં રોજગારી પણ વધશે. તેમણે જણાવ્યું હતું કે આઝાદી બાદ આજે આત્મનિર્ભર ભારતની પોલિસી લોન્ચ કરવામાં આવી છે. કચરાથી કંચન સુધી પહોંચવા માટે આ પોલિસી લાગુ કરવામાં આવી છે.