આરોગ્યપ્રધાનની WHO સાથે કોવેક્સિનની મંજૂરી માટે મુલાકાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ભારત બાયોટેકની કોવેક્સિનની WHOની મંજૂરી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથન સાથે મુલાકાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ડોક્ટર સૌમ્યાએ ભારત બાયોટેકની કોવેક્સિનની મંજૂરી માટે સાર્થક ચર્ચા કરી હતી. તેમણે કોરોના રોગચાળા અટકાવવા માટેના ભારતના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ મુલાકાતમાં સ્વામિનાથને અન્ય મુદ્દાઓ સિવાય કોરોના રોગચાળાના અન્ય પાસાઓ પર પણ વિચારવિમર્શ કર્યો હતો. હૈદરાબાદસ્થિત ભારત બાયોટેકે ICMR અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી, પુણેના સહયોગથી કોવેક્સિનને વિકસિત કરી છે.

ભારત બાયોટેક દ્વારા કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ને બધા જરૂરી દસ્તાવેજો  નવ જુલાઈ સુધી જમા કરાવી દેવામાં આવ્યા છે અને વૈશ્વિક આરોગ્ય સંસ્થા દ્વારા એની સમીક્ષા માટે પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે, એમ રાજ્ય આરોગ્યપ્રધાન ડો. ભારતી પ્રવીણ પવારે ગયા મહિને જણાવ્યું હતું.

આ પહેલાં હંગેરિયન સત્તાવાળાઓ પાસેથી કોવેક્સિનની ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP) સર્ટિફિકેટ મળ્યું હતું. WHOના વૈજ્ઞાનિક રાજ્યપ્રધાન (સ્વતંત્ર પ્રભારી) જિતેન્દ્ર સિંહ સાથે રોગચાળા સંબંધિત મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો હતો. રાજ્ય પ્રધાન સિંહે જણાવ્યું હતું કે વડા પ્રધાનની દેખરેખમાં દેશમાં કોરોના રોગચાળા સંબંધે સૌથી મોટી રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

દેશમાં અત્યાર સુધીમાં 52,95,82,956 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 57,31,577 લોકોને રસી આપવામાં આવી હતી.

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]