PM મોદીની ‘ગુજરાત’ને 1000-કરોડના રાહત પેકેજની જાહેરાત

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ‘તાઉ’તે’ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. એ પછી વડા પ્રધાને અમદાવાદ પહોંચીને સમીક્ષા બેઠક કરી હતી. વડા પ્રધાને સમગ્ર સ્થિતિની સમીક્ષા અને પરિસ્થતિની વિગતો મેળવ્યા પછી રાજ્યને તાત્કાલિક રાહત કાર્યવાહીઓ માટે રૂ. 1000 કરોડની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત તેમણે વાવાઝોડામાં જીવ ગુમાવનાર પરિવારને ગુજરાત ઉપરાંત કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દીવ-દમણ તેમ જ દાદરાનગર હવેલીમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલાના વારસદારને રૂ. બે-બે લાખની અને ઘાયલ થયેલાને રૂ. 50,000ની  આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરી હતી. પીએમ મોદીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે પણ માહિતી મેળવી હતી.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી વડા પ્રધાનને રાજ્યની આ વાવાઝોડાની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

વડા પ્રધાને ગુજરાતના દીવમાં ઉના, ગીર–સોમનાથ, જાફરાબાદ-અમરેલી, મહુવામાં વાવાઝોડાના પ્રભાવિત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં થયેલા નુકસાનના સર્વે માટે કેન્દ્ર સરકારની ટીમ રાજ્યની મુલાકાત લેશે. જેને આધારે વધુ સહાય આપવામાં આવશે.

વડા પ્રધાને રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે, અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાના પુનસ્થાપન અને નિર્માણ માટે તમામ શક્ય સહાય કરશે.