પીએચડી સ્કોલર્સે વિવિધ પ્લેટફોર્મ પર સફળતા મેળવી

ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-ગાંધીનગરના કુલ 13 પીએચડી સ્કોલર્સ અને તાજેતરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ છેલ્લા બે મહિનામાં જ વિવિધ પ્રતિષ્ઠિત એવોર્ડ અને ફેલોશિપ મેળવ્યા છે. આ વિદ્યાર્થીઓ તેમના ડોક્ટરલ અભ્યાસ માટે સંશોધનનાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરે છે.

બાયોલોજિકલ એન્જિનિયરિંગના પીએચ. ડી. સ્કોલર રાજેશ હદિયાને પ્રતિષ્ઠિત SERB-CII વડા પ્રધાનની ફેલોશિપ માટે પસંદ કરવામાં આવ્યા છે. સંસ્થાના કુલ છ પીએચ. ડી. વિદ્યાર્થીઓએ મે, 2020ની પ્રતિષ્ઠિત વડા પ્રધાન સંશોધન ફેલોશિપ મેળવી હતી, જેમાં મેકેનિકલ એન્જિનિયરિંગના પ્રસન્ના કુલકર્ણી અને યોગેશ સિંઘ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાંથી આશિષ તિવારી, સચિનકુમાર સુથાર અને કૈલાશ પ્રસાદ તથા ફિઝિક્સના રાજેશ ઘોષનો સમાવેશ થાય છે. આ ફેલોશિપ આકરી પસંદગી પ્રક્રિયા પછી સંશોધન માટે શ્રેષ્ઠ પ્રતિભાઓને તક આપે છે.

આ જ વલણ જાળવી રાખતાં પીએચ. ડી.ના વધુ બે વિદ્યાર્થીઓ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ચંદન કુમાર ઝા અને બાયોલોજિકલ એન્જિનિયરિંગની નક્ષી દેસાઈએ આઇઆઇએમ-અમદાવાદમાં સેન્ટર ફોર ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ તરફથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ગ્રાન્ટ ચેલેન્જ જીતી છે. ચંદનને આ ગ્રાન્ટ સ્ટ્રોકથી બચી ગયેલા લોકો માટે વર્ચ્યુઅલ રિયાલિટી-આધારિત હેન્ડ રિહેબિલિટેશન અને એસેસમેન્ટ પ્લેટફોર્મ વિકસાવવા અંગેના તેમના કામ માટે મળી છે. જ્યારે નક્ષીએ આ ગ્રાન્ટ ખાસ કરીને પ્રોસ્ટેટ કેન્સરના રોગ નિદાન/પરીક્ષણ વિશેના તેના આઇડિયા માટે મેળવ્યો છે. નક્ષીની પસંદગી યુનિવર્સિટી ઓફ ગોથેનબર્ગમાં 90 દિવસના સમયગાળા માટે સંપૂર્ણ ફંડેડ ઇન્ટર્નશિપ માટે પણ કરવામાં આવી હતી. તાજેતરમાં જ પીએચ.ડી.ના વધુ બે વિદ્યાર્થીઓ- કેમિસ્ટ્રી શાખાના જયદીપસિંહ ચાવડા અને અર્થ સાયન્સિસ શાખાના શાંતિ સ્વરૂપ મહતોની DST-INSPIRE ફેલોશિપ માટે પસંદગી કરવામાં આવી છે.

આ અગાઉ  આઇઆઇટી-ગાંધીનગરની તાજેતરની બે ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓએ પોતપોતાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા હતા, જેમાં મટીરિયલ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગની ડો. અંકિતા અરોરાને પોલિમર સાયન્સ અને એન્જિનિયરિંગની કેટેગરીમાં પ્રોફેસર સાબુ થોમસ બેસ્ટ ડોક્ટરલ થિસિસ એવોર્ડ 2020 મળ્યો છે, જ્યારે કેમિકલ એન્જિનિયરિંગની ડો. દીપા દીક્ષિતે ‘નોન-ઇલેક્ટ્રિક અને એફોર્ડેબલ સર્ફેસ એન્જિનિયર્ડ પાર્ટિકલ બેઝ્ડ પોઇન્ટ-ઓફ-યુઝ વોટર ડિસઇન્ફેક્શન’ સિસ્ટમ વિકસાવવા માટે SITARE-ગાંધિયન યંગ ટેકનોલોજિકલ ઇનોવેશન (GYTI) એવોર્ડ 2020 મેળવ્યો છે. આ સિવાય ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના બીટેકના વિદ્યાર્થી પ્રદીપ પ્રજાપતિની આ વર્ષે કારગિલ ગ્લોબલ સ્કોલર તરીકે પસંદગી કરવામાં આવી છે. તે દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી પસંદ થયેલા દસ વિદ્યાર્થીઓમાંનો એક છે.

આ વિદ્યાર્થીઓની સિદ્ધિઓની પ્રશંસા કરતાં એસોસિયેટ ડીન પ્રો. કૃષ્ણ કાંતિ ડેએ જણાવ્યું  હતું કે અમારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ હાંસલ કરતાં જોવા એ સંસ્થા માટે ખરેખર ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ છે. સંસ્થા હંમેશાં તેના વિદ્યાર્થીઓને ઉચ્ચ લક્ષ્ય રાખવા અને તેમના સપના સાકાર કરવા માટે સખત મહેનત કરવા પ્રોત્સાહિત કરે છે.