અમદાવાદ: કૌટુંબિક ઝઘડામાં એસિડ એટેક

અમદાવાદઃ અમદાવાદમાં એસિડ એટેકનો બનાવ બન્યો છે. માધવપુરામાં આવેલા મહેંદીકૂવા વિસ્તારમાં મકાન ખાલી કરાવવા બાબતે નાનાં બાળકો અને મહિલા પર એસિડ એટેકની ઘટના બની છે. ભત્રીજાએ કાકાના આખા પરિવાર પર એસિડ એટેક  કર્યો હતો, જેમાં પરિવારની બે બાળકીઓ, એક બાળક સહિત ચાર જણના ચહેરા બગડી ગયા છે. મકાન અને રૂપિયાની આપ-લેના મામલાને લઈને પરિવાર વચ્ચે વિખવાદ થયો હતો. ત્યારે લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક ઝઘડાને અંતે ભત્રીજાએ આ પગલુ ભર્યું હતું. 

માધવપુરાના મહેંદી કૂવા વિસ્તારમાં કંચનબહેનની ચાલીમાં લક્ષ્મીબહેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ દીકરી સાથે રહે છે. લક્ષ્મીબહેને તેમના કાકા સસરા મોહન દંતાણી પાસેથી છ વર્ષ પહેલાં એક મકાન ખરીદ્યું હતું. ત્યારે તેમના પુત્ર અજય અને વિજય અવારનવાર આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો કરતા હતા. આજે વહેલી સવારે પરિવારના તમામ લોકો સૂઈ રહ્યા હતા ત્યારે પાંચ વાગ્યાના અરસામાં અજય દંતાણીએ મકાનની બારી પાસે આવીને બૂમાબૂમ કરી હતી. અજય સાથે એસિડનો ડબ્બો પણ લઈ આવ્યો હતો. તેણે બારીમાંથી ડબ્બો ઊંચો કરીને અંદર એસિડ ફેંક્યો હતો. આ એસિડ અંદર સૂઈ રહેલા લોકો પર પડ્યો હતો.

આ એસિડ એટેકમાં લક્ષ્મીબહેન, તેમની પાંચ અને આઠ વર્ષની દીકરી તથા 10 વર્ષના દીકરા દાઝ્યા હતા. તમામના ચહેરા પર એસિડ પડતાં તેઓ દર્દથી કણસતા હતા. જેથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં માધવપુર પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે, પણ પોલીસે એક પણ આરોપીની ધરપકડ નથી કરી.

 

 

 

.