Paytmની મુશ્કેલી યથાવત, ટ્રાન્ઝેક્શનમાં થયો ઘટાડો!

One 97 કોમ્યુનિકેશનની માલિકીની Paytm પાછલા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે આજે ફરી એક પેટીએમને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે. Paytm ના શેરમાં 8 મેના રોજ 4 ટકાથી વધુનો ઘટાડો થતા શેર દીઠ રૂ. 320 થયો હતો. આદિત્ય બિરલા ફાઈનાન્સે Paytm પાસેથી લોન ગેરંટી માંગી હોવાના અહેવાલોથી આજે કંપની શેરમાં વેચવાલી જોવા મળી રહી છે.

ફિનટેક ફર્મના મુખ્ય ધિરાણ ભાગીદારોમાંના એક આદિત્ય બિરલા ફાઇનાન્સે કંપની પાસે લોન ગેરંટી માંગી હોવાનો સંકેત આપતા અહેવાલોથી કંપનીમાં ઘટાડો આવ્યો છે. ગ્રાહકો પાસેથી ચુકવણી ડિફોલ્ટ થતા કંપની શેર 16 ફેબ્રુઆરીના સૌથી નીચેની સપાટી 318 પર પહોંચ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં, Paytmનો સ્ટોક લગભગ 50 ટકા તૂટી ગયો છે, આદિત્ય બિરલા ફાઇનાન્સ ઉપરાંત, પિરામલ ફાઇનાન્સ અને ક્લિક્સ કેપિટલ જેવા અન્ય ધિરાણકર્તાઓએ પણ પેટીએમ સાથેની તેમની ભાગીદારી પરત ખેંચી લીધી હોવાની સંભાવના સેવાય રહી હતી. કારણ કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કની કામગીરી પર પ્રતિબંધ મૂક્યો હતો.

ફિનટેક મેજર એપ્રિલમાં સતત ત્રીજા મહિને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન્સમાં ઘટાડો યથાવત્ જોવા મળ્યો હતો. કંપનીના એપ્રિલમાં 1,117.3 મિલિયનના વ્યવહારો કર્યા હતા, જે માર્ચમાં 1,230.04 મિલિયન ટ્રાન્ઝેક્શનથી વોલ્યુમમાં લગભગ 9 ટકા ઓછા હતા. યુપીઆઈ એપ્લિકેશન્સમાં કંપનીનો બજારહિસ્સો એપ્રિલમાં 8.4 ટકા હતો, જે ફેબ્રુઆરીમાં 10.8 ટકા અને માર્ચમાં 9.13 ટકા હતો.