અમદાવાદઃ અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઊજવાશે ત્યારે દેશના અનેક દિગ્ગજ લોકોને આમંત્રણ મળ્યું છે. પરંતુ કોંગ્રેસ પક્ષે આ આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. આ નિર્ણય પછી ભાજપ પણ કોંગ્રેસની ભારે ટીકા કરી છે. હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આ નિર્ણય પર અહમતી વ્યક્ત કરી છે.
કોંગ્રેસના પ્રદેશપ્રમુખ શક્તિ સિંહ ગોહિલે પણ જણાવ્યું હતું કે કામ મંદિરનો કાર્યક્રમને ભાજપ ઇવેન્ટ બનાવી રહ્યો છે, જેથી ભાજપની ઇવેન્ટમાં કોંગ્રેસ નહીં જાય. કોંગ્રેસ દ્વારા બુધવારે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેમની પાર્ટીના નેતા રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે નહીં. ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પક્ષના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે.
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ હાઈકમાન્ડના નિર્ણય સામે વાંધો ઉઠાવતા સોશિયલ મીડિયા એક્સ પર નિર્ણયની ટીકા કરી હતી અને કોંગ્રેસના નેતા જયરામ રમેશની પોસ્ટને ટેગ કરીને તેમણે લખ્યું હતું કે ભગવાન રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસની વાત છે. કોંગ્રેસે રામ મંદિરના મામલે રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું. આ ઉપરાંત અન્ય નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે શ્રીરામ મંદિરના આમંત્રણને નકારવું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને આત્મઘાતી નિર્ણય છે.
भगवान श्री राम आराध्य देव हैं।
यह देशवासियों की आस्था और विश्वास का विषय है। @INCIndia को ऐसे राजनीतिक निर्णय लेने से दूर रहना चाहिए था। pic.twitter.com/yzDTFe9wDc
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 10, 2024
કોંગ્રેસે આ આમંત્રણનો અસ્વીકાર કરતાં કહ્યું હતું કે કરોડો ભારતીય ભગવાન રામની પૂજા-અર્ચના કરે છે. કોંગ્રેસે આ સમારંભમાં સામેલ નહીં થવાનો નિર્ણય કરતા એમ કહ્યું હતું કે રામ મંદિર ભાજપ અને RSSની ઇવેન્ટ છે.
આ સિવાય કોંગ્રેસના નેતા અંબરીશ ડેરે (Ambarish Der) પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ, તેથી સ્વાભાવિક છે કે દેશભરના અસંખ્ય ભક્તોની આસ્થા વર્ષોથી આ નવનિર્મિત મંદિર સાથે જોડાયેલી છે ત્યારે કોંગ્રેસના કેટલાક લોકોએ આ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ. આવા નિવેદનો મારા જેવા ગુજરાત કોંગ્રેસના ઘણા કાર્યકરો માટે નિરાશાજનક છે.