ઉત્તરાયણ: ઊંધિયું, જલેબી માટે લાઈનો લાગી

અમદાવાદઃ ઠંડીની ૠતુ હોય, એમાં શાકભાજીનું મોટા પાયે ઉત્પાદન થાય એટલે સૌ ઊંધિયાની મોજ માણી શકે છે. એમાંય ઉતરાયણનો તહેવાર માણતા પતંગરસિકો માટે વહેલી સવારથી જ ઊંધિયું, જલેબી, કચોરીના મંડપો લાગી ગયા છે.

શહેરના પ્રખ્યાત સ્થળોએ ઊંધિયું, જલેબી, ફરસાણ લેવા લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે અમુક મંડપ, દુકાનો ગ્રાહકો વગર ખાલીખમ પણ જોવા મળ્યા હતા. મોંઘવારી અને મહામારી, આ બંનેની અસર તહેવારો પર પડી છે.

કોરોનાની મહામારી એક વર્ષથી વિશ્વમાં ફેલાઈ છે ત્યારથી તહેવારો અને ઉત્સવો ફિક્કા પડી ગયા છે. દરેક તહેવારની ઉજવણીમાં ઉત્સાહ, ઉમંગમાં ઓટ જોવા મળી છે. એ જ કોરોનાના આક્રમણમાં હવે ઉત્તરાયણ-મકરસંક્રાંતિ તહેવારનું પણ આગમન થયું છે.

શિયાળાની ૠતુમાં આવતા મકરસંક્રાંતિ પર્વના આ પતંગોત્સવમાં ગુજરાતમાં લોકો ઊંધિયું, જલેબી અને લીલવાની કચોરી બનાવી-જમવાનો ઉત્સવનો આનંદ માણતા હોય છે. મોટે ભાગે શહેરી વિસ્તારોમાં બહારથી તૈયાર ઊંધિયું, જલેબી લાવી ધાબા પર કે ઘરે ભેગા મળીને લોકો માણતા હોય છે.

ઊંધિયા અને ફરસાણ માટે આજે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. ફરસાણની દુકાનો, તહેવારોમાં સ્પેશિયલ મંડપોમાં તૈયાર થતી વાનગીઓ માટે ખૂબ જ જાણીતા મંડપો, દુકાનોમાં ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. તો બીજી તરફ મોટી સંખ્યામાં માણસો રોકી માર્ગો પર બાંધેલા મંડપો, શોરૂમમાં તૈયાર થયેલા ઊંધિયા, જલેબી, ફરસાણનું કોઇ લેવાલ નથી.

મહામારી સિવાયના સમયમાં તો નાના મંડપથી માંડી મોટી દુકાનો, મીઠાઇ-ફરસાણવાળા દરેક ઉત્સવ-તહેવારમાં મોટી કમાણી કરી લેતા હોય છે. હાલ કોરોનાનો સંકટકાળ ચાલી રહ્યો છે એમ છતાંય કેટલાક સ્થળોએ સ્વાદિષ્ટ ઊંધિયા માટે લાઇનો જોવા મળી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]