વિદ્યાનગરઃ ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાર્મસી અને સ્પિન્કો બાયોટેક લિ.ના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વિષય હતો- રિસેન્ટ ટ્રેન્ડ્સ ઓફ લિક્વિડ કોમેટોગ્રાફી (HPLC). ફાર્મા ઉદ્યોગ અને ફાર્મા-વિદ્યાર્થીઓ માટે બહુ વિષય ઉપરની આ વર્કશોપમાં ગુજરાતભરની 14 જેટલી ફાર્મસી અને સાયન્સ કોલેજના 100 જેટલા ચુનંદા વિદ્યાર્થીઓ, રિસર્ચ-સ્કોલર્સ તેમ જ પ્રાધ્યાપકોએ બહુ રસપૂર્વક ભાગ લીધો હતો.
આ વર્કશોપના ઉદઘાટન સમારોહમાં અમેરિકી સ્થિત ફાર્માસિસ્ટ યોગેશ પટેલ, વિવેક શર્મા, દિનેશ ગજેરા (સ્પિન્કો બાયોટેક લિ.), ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. એસ. પંચોલી, ડીન ડો. પરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં ઉપસ્થિત સૌથ વિદ્વાન-નિષ્ણાત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને, અભ્યાસુ સંશોધકોને તેમ જ વિદ્વાન પ્રાધ્યાપકોને આજના વિષયને સુસંગત એવા જ્ઞાન-માહિતીથી સમૃદ્ધ કર્યા હતા. વર્કશોપને સફળ બનાવવામાં કો-ઓર્ડિનેટર પ્રો. ડો. સતીશ એ. પટેલ અને તેની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
ગણપત યુનિવર્સિટીની ફાર્મસી કોલેજ- એસ. કે. પટેલ કોલેજ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા જ એક પૂરા સાત દિવસના NSS શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણાના વિસનગર તાલુકાના ઉદલપુર ગામે યોજાઈ ગયેલી શિબિરમાં કોલેજનના 50 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સેવા-પ્રવૃત્તિઓ કરી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન, વિવિધ રમતગમતો, ડેન્ટલ કેમ્પ, હોમિયોપથિક કેમ્પ, આંખના નંબર ચેક કરવા માટેનો ખાસ કેમ્પ, ખેડૂતભાઈઓ માટે ખેતી વિષયક તેમ જ પશુપાલન વિષયક માર્ગદર્શન માટે નિષ્ણાતોનાં વ્યાખ્યાનો જેવી સેવા-પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વળી, સ્ત્રીઓ માટેના ખાસ કાર્યક્રમો ઉપરાંત પ્રભાત ફેરી તેમ જ સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.
આ સેવા-શિબિરમાં ગણપર યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપત દાદા, પ્રો. ડો. એસ. એસ. પંચોલી, પ્રો. જો. સત્યેન પરીખ ઉપરાંત ગામના અગ્રણીઓ જયંતીભાઈ વિરમભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.