અમદાવાદમાં હોળી ઉત્સવમાં ટુર બુકિંગમાં 40 ટકાનો ઉછાળો

અમદાવાદઃ આવતા સપ્તાહની મધ્યમાં બે દિવસીય હોળી-ધુળેટીનો તહેવાર છે, તેમ છતાં આ વખતે પ્રવાસન સ્થળો- ગોવા, માઉન્ટ, આબુ, ઉદેપુર અને કુંભલગઢ જવા માટે -રાજ્યની બહાર જવા માટે  પ્રવાસીઓનો ભારે ધસારો છે. ટ્રાવેલ એન્ડ ટુર ઓપરેટરોના જણાવ્યા મુજબ હોળીના બુકિંગમાં વર્ષ 2022ની તુલનાએ 35થી 40 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે હોળીના તહેવાર વીક-એન્ડ પર હતો અને લોકો કોરોનાને લીધે બે વર્ષથી કેદમાંથી છૂટવા માટે પ્રવાસન સ્થળોએ હવાફેર માટે ધસી ગયા હતા.

યુનિકોર્ન ટ્રાવેલ્સના ડિરેક્ટર શ્રીરામ પટેલે કહ્યું હતું કે તેમને ગયા વર્ષની તુલનામાં હોળી-ધુળેટીએ આશરે 40 ટકા વધુ બુકિંગ મળ્યાં હતાં. તેઓ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશનના રાષ્ટ્રીય ટ્રેઝરર પણ છે. તેમણે કહ્યું હતું કે હોળીમાં પ્રવાસ કરવાનું મુખ્ય કારણ શહેરમાં ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે. વળી, કોવિડ સમયે લોકોને મનેકમને ઘરમાં પુરાઈ રહેવું પડ્યું હતું, જેથી આ વખતે પ્રવાસીઓ તક મળતાં પ્રવાસ કરવા નીકળી પડે છે.

અન્ય એક બિઝનેસમેન સમીર શાહે જણાવ્યું હતું કે અમે 24 યુગલોનું એક ગ્રુપ છે, જે હોળીના દિવસોમાં કેટલોક સારો સમય સાથે વિતાવવા અને આરામ કરવા માટો ગોવા જઈ રહ્યા છીએ. આમ સામાન્ય રીતે અમે માર્ચના અંતે અમે ટુરનું આયોજન કરતા હોઈએ છીએ, પણ આ વખતે અમે ગરમી વધવા પહેલાં પ્રવાસનું આયોજન કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે વેનગાર્ડ હોલીડેઝના ડિરેક્ટર શૈલેશ અગ્રવાલે કહ્યું હતું કે અમદાવાઓ માટેના લોકપ્રિય પ્રવાસનાં સ્થળો- ઉદયપુર, ગોવા માઉન્ટ આબુ અને કુંભલગઢ છે.